જયંતી મેતીયા/ગરવી તાકાત : વડગામ તાલુકાના પેપોળ ગામની મહિલાને એક શ્વાને કપાળના ભાગે બચકા ભરી આખી ખોપડી ફાડી ખાતા તેને સારવાર અર્થે મેમદપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મેડીકલ ઓફીસર ગેરહાજર હોઇ સ્ટાફે મેડીકલ ઓફીસરની ગેરહાજરીમાં ચિઠ્ઠી લખી પાલનપુર રિફર કરી દીધા હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
વડગામ તાલુકાના પેપોળ ગામે રહેતા ચંપાબેન ભીખાભાઇ રાવત સવારે જમીને એઠવાડ નાખવા માટે જતા હતા તે દરમ્યાન તેમના ઘર નજીકથી પસાર થઈ રહેલ એક હડકવાયા શ્વાને અચાનક તેમની પર હુમલો કરી દીધો હતો અને મહિલાને બચકા ભરી ખોપડીના ભાગે ગંભીર ઈજા પહોચાડી હતી. આથી મહિલાને તાત્કાલિક મેમદપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી જ્યાં મેડીકલ ઓફીસરને સ્ટાફે જાણ કરવા છતાં સારવાર માટે મેડીકલ ઓફીસર ફરક્યા પણ ન હતા ત્યારબાદ સ્ટાફે ચિઠ્ઠી લખી મહિલાને પાલનપુર રીફર કર્યા હતા. જોકે મહિલાને કૂતરાએ આખું કપાળ ફાડી નાખવા છતા ડોક્ટરે માનવતા નેવે મૂકી સારવાર માટે ન આવ્યા હોવાના અને પાલનપુર રીફર કરી દેવામાં આવી હોવાના આક્ષેપ મહિલાના પરિવારે કર્યા છે ત્યારે મેડીકલ ઓફિસર સામે અનેક સવાલ ઉઠ્યા છે.