બનાસકાંઠાના વડગામમાં એક પરિણીત યુવતી ડ્રાઈવર સાથે ભાગી ગઇ હોવાની ઘટના સામે આવી છે. પરિણીત યુવતીએ તેના પ્રેમી સાથે મળી સાસરીમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત 13.70 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી પણ કરી છે. બંને સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.વડગામ તાલુકાના છનિયાણા ગામની મનીષા નામની યુવતીના લગ્ન મજાતપુર ગામે રહેતા પ્રવીણભાઈ સાથે થયા હતા. તે દરમિયાન મનીષા તેના પિયર છનીયાણા ગામે આવી હતી અને બાદમાં પાલનપુર દાંતના દવાખાને બતાવવા જવાનું છે અને ત્યાંથી બારોબાર સાસરીમાં જવાનું કહીને ઘરેથી નીકળી હતી. બાદમાં બીજા દિવસે મનીષાના મોબાઈલ પર તેના પિતાએ સંપર્ક કરતા નંબર સ્વીચ ઓફ આવતો હતો. જેથી યુવતીના પિતાએ તેમના જમાઈ પ્રવીણભાઈને ફોન કરી પૂછતા મનીષા તેમના ઘરે પહોંચી જ ન હોવાનું જાણવા મળ્યું હતું તપાસ કરતા મનીષા ધનાલી ગામના ડ્રાઇવર પ્રકાશ માજીરાણા સાથે ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સાસરીમાં તપાસ કરતા સોનાના દાગીના સહિત 13.70 લાખ રૂપિયાના માલમત્તાની પણ આ બંને ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે યુવતીના પિતાએ તેમની પુત્રી અને તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વડગામ પોલીસે યુવતીના પિતાની ફરીયાદના આધારે બંનેની શોધખોળ હાથ ધરી છે..