દાંતાના જંગલમાં અરવલ્લીની ગિરીમાળામાં દાવાનળ ફાટી નીકળ્યોં
આગને કાબુમાં લેવા એરફોર્સના MI-17 હેલિકોપ્ટરમાંથી પાણી છાંટવામાં આવ્યું
ઉત્તર ગુજરાતમાં આવેલ દાંતા તાલુકાના જંગલોમાં આગની 3 ઘટનાઓ બની
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – હાલમાં જ ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગી હતી, જેને પગલે આર્મી બોલાવવામાં આવી છે અને એરફોર્સના MI-17 હેલિકોપ્ટરમાંથી પાણી છાંટવામાં આવ્યું છે. હવે આગની જ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી છે. ત્યારે ગુજરાતના જંગલોમાં પણ ગરમીને કારણે આગ લાગવાની શરૂઆત થઈ છે. ઉત્તર ગુજરાતમાં આવેલ દાંતા તાલુકાના જંગલોમાં આગની 3 ઘટનાઓ બની છે.
ભારે ગરમીને પગલે જંગલોમાં આગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો છે. પીપળાવાળી ગામ પાસેના જંગલમાં આગ ફાટી નીકળી છે. આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યાં છે. લોકો માટે જંગલના આ દ્રષ્યો ભયાવહ બની રહ્યાં છે. લીલા વૃક્ષો આગની લપેટોમાં આવી ગયા છે. આ આગને કારણે જંગલમાં વસતા પ્રાણીઓની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે.
અંબાજી દાંતાનું જંગલ રીંછ અભ્યારણ વિસ્તાર છે. દાંતા તાલુકામાં જડીબુટ્ટી અને વનસ્પતિને પણ આ આગથી નુકસાન થવાની સંભાવના છે. દાંતાના જંગલમાં વધી રહેલી આગની ઘટનાથી વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જંગલ ખાતા દ્વારા આગ બુઝાવવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. મોટી સંખ્યામાં વૃક્ષો બળ્યા હોવાનો અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલો દાંતા તાલુકો પહાડી અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. દાંતા અને અંબાજીની ચારેય બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે. દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જગલી જીવજંતુઓ પણ વસવાટ કરે છે. હાલમાં ગરમીની શરૂઆત થઈ છે અને ગરમીની શરૂઆતે અનેકો જગ્યાએ પહાડો અને જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. હજી થોડા દિવસો પહેલા જ દાંતા તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ધટના સામે આવી હતી. ત્યારે ફરીથી આગ લાગી છે.