મહેસાણાના વિકલાંગ શિક્ષક દ્વારા ગુજરાતી ભાષા બચાવવા અનોખી પહેલ

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે

— શાકભાજીની લારી ચલાવતા દેવીપૂજક યુવકોની મદદથી 80થી વધુ પુસ્તકોનું શહેરમાં વિતરણ કરવામાં આવ્યું

ગરવી તાકાત મહેસાણા: ૨૧ ફેબુ્રઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડીઝીટલ અને મોબાઇલના યુગમાં દિવસેને દિવસે લોકોનું વાંચન ઘટતું જાય છે. તેમજ લેખન કળા પણ ઓછી થઈ રહી છે. આવા વિપરીત સંજોગોમાં માતૃભાષા ગુજરાતીને બચાવવા તેમજ લોકોમાં ગુજરાતી સાહિત્યનું વાંચન વધે તેવા ઉમદા આશયથી શહેરના એક વિકલાંગ પ્રાથમિક શિક્ષક દ્વારા પુસ્તક પરબની અનોખી પહેલ શરૃ કરી છે.  શાકભાજીની જેમ લારીઓમાં પુસ્તકો ભરી બજાર તથા રોજની ૫૦થી વધુ સોસાયટીઓમાં પુસ્તકો વાંચન માટે આપે છે. તેમજ બે ત્રણ દિવસ બાદ પરત મેળવી અન્ય સોસાયટીઓના લોકોને ગુજરાતી ભાષામાં રૃચી વધે તે માટે વાંચન માટે આપી રહ્યા છે.

 મહેસાણા શહેરની પ્રાથમિક શાળામાં  શિક્ષકની નોકરી  કરતા  જયેશભાઇ પટેલ વિકલાંગ હોવા છતાં અનેક અવોર્ડ મેળવી શિક્ષણ જગતમાં નામ રોશન કર્યું છે. તેમણે ૨૧ મી ફેબુ્રઆરીના વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૃપે   ગુજરાતી ભાષાને બચાવવા તેમજ વાંચનનો વધારો કરવાના આશયથી  મહેસાણા  શહેરના શાકભાજીની  છૂટક લારી ચલાવતા દેવીપુજક પ્રકાશભાઈ અને અલ્કેશભાઇની લારીઓમાં  અંદાજિત ૮૦થી પણ વધારે અલગ-અલગ વિષયના  પુસ્તકો રાખી લોકોને  શાકભાજીની લારીની જેમ  લગભગ દરરોજ ૫૦થી પણ વધારે સોસાયટીમાં ફરે છે.  જેના લીધે આધુનિક ડીઝીટલ  યુગમાં મોબાઇલમાં રચ્યા-પચ્યા રહેલા  લોકોમાં માતૃભાષા અને વાંચનમાં રૃચી વધારવા માટે  એક અનોખી પહેલ કારગર નિવડી રહી છે.  ગુજરાતી પુસ્તકોના વાંચનથી બાળકો અને સમાજમાં ગુજરાતી સંસ્કારોનું જતન થવા સાથે વિસરાઈ રહેલી ગુજરાતી ભાષાનો વ્યાપ વધશે.  વધુમાં આ શિક્ષકની ઈચ્છા  છે કે,  જો  દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓનો સહકાર મળશે તો ઉનાળાના  વેકેશનમાં બાળકો માટે ગુજરાતી વાંચન શિબિર અને પુસ્તકોનો વધારે ફેલાવો કરશે.

— વૃધ્ધો, સગર્ભા અને ગૃહિણીઓને ડોર ટુ ડોર પુસ્તકો પહોંચે છે: શિક્ષકનો માતૃભાષા બચાવવા સાથે ઉદ્દેશ રહેલો છે કે, સગર્ભા બહેનો, ગૃહિણીઓ તેમજ વૃદ્ધો  ઘર બહાર વધુ પ્રમાણમાં નીકળી શકતા નથી. જેને કારણે આ પુસ્તકોનું આવા લોકોને ડોર ટુ ડોર વિતરણ કરી રહ્યા છે. વાંચન કર્યા બાદ આ પુસ્તકો શાકભાજીની લારીમાં બે-ત્રણ દિવસ બાદ પરત આપે તેવી વ્યવસ્થા કરી અલગ અલગ પુસ્તકો સરળતા પૂર્વક પુરા પાડી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.