-> સણાદર ડેરી ખાતે હજારો પશુપાલકોની હાજરીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે પશુપાલકોની આવક વધારતા નવીન પ્લાન્ટનો કરાવ્યો શુભારંભ :
-> ગલબાભાઈનું સ્વપ્ન અને પશુપાલકોની મહેનત થકી બનાસ મોડેલ બન્યું દેશ માટે પ્રેરણારૂપ:- કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહ :
-> સહકાર મંત્રાલય થકી ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ:- કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહ :
-> પશુપાલકોને આત્મનિર્ભર બનાવતું બનાસનું ચક્રીય અર્થતંત્ર મોડેલ: ૪૦૦ રૂપિયા થી લઈને ૨૪ હજાર કરોડ સુધીની બનાસ ડેરીની સફળ સફર :

જે યાત્રા ફક્ત ૪૦૦ રૂપિયાથી શરૂ કરીને આજે ૨૪ હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે. ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે. શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં ૨૦ ટકાનો વધારો થશે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી શ્વેતક્રાંતિ ૨.૦ ને સફળ બનાવવા અને ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌકોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.

આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે. આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આગામી જાન્યુઆરી ૨૦૨૬માં દેશની ૨૫૦ જેટલી ડેરીના ચેરમેન અને એમ.ડી બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું. શ્રી અમિતભાઈ શાહે બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિદીન નિમિત્તે તેમને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સહકાર અને ખેડૂતોના હિત માટે લીધેલા પગલાંની સરાહના કરી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આટલા વર્ષો બાદ સહકાર મંત્રાલય ઉભુ કરીને ગામડાના વિકાસ માટે કામ કર્યું છે. ગ્રામીણ વિસ્તારના નાના માણસનું જીવન ધોરણ બદલાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સહકાર થી સમૃદ્ધિ હેઠળ કામગીરી થઈ રહી છે.

સરકારશ્રીની યોજનાઓ થકી ૨૪ કલાક વીજળી અને પાણી થકી પશુપાલકોને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે સહકારી મંડળીઓનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતો વિશ્વ સ્તરે પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે ભારત સરકારે સંસ્થા સ્થાપી છે જેનું ફક્ત ૧ વર્ષમાં ૪૨૮૩ કરોડનું ટર્નઓવર થયું છે. ખેડૂતોના હિત માટે સરકારે ભારત ઓર્ગેનિક સંસ્થાની પણ શરૂઆત કરી છે.આજે સહકાર ક્ષેત્ર ટેક્સીના ડ્રાઇવરો સુધી પહોંચીને તેમના માટે પણ સહકારી કંપની શરૂ થઈ છે. બનાસકાંઠામાં આગામી સમયમાં અનેક ધંધાઓ થકી પશુપાલકોની આવક બમણી કરવા માટે કામ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી અને શ્રી જીતુભાઈ વાઘાણીએ બનાસ મોડેલના વિકાસગાથા વિશે વાત કરી હતી. આજે સહકાર મંત્રાલય હસ્તકની સંસદીય પરામર્શ સમિતિએ બનાસ મોડેલની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મુરલીધર મોહોલ, શ્રી કૃષ્ણપાલ ગુર્જર, સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ, રાજ્યના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી ઋષિકેશ પટેલ, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી સ્વરૂપજી ઠાકોર, સહકાર સચિવશ્રી આશિષ ભુતાની, સુઝુકી ઈન્ડિયાના એમ.ડી અને ડિરેક્ટરશ્રી, અમૂલના ચેરમેનશ્રી અશોક ચૌધરી સહિત સહકારી ડિરેક્ટરશ્રીઓ અને બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે થયેલ લોકાર્પણ અને ખાતમુર્હુત સણાદર ખાતે દૂધ પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત બનાસ ડેરીએ સણાદર ખાતે રૂ. ૪૪૦ કરોડના ખર્ચે ૧૫૦ TPD ક્ષમતાનો અદ્યતન મિલ્ક પાઉડર અને બેબી ફૂડ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટ દ્વારા વધારાના દૂધનું યોગ્ય સંચાલન કરીને ડેરી વ્હાઇટનર, SMP, WMP તેમજ બેબી ફૂડ જેવા ઉચ્ચ મુલ્યવાળા ઉત્પાદનો મળી રહેશે. ઓટોમેટિક પનીર પ્લાન્ટનું લોકાર્પણ બનાસ ડેરી દ્વારા ૨૦ MTPD ક્ષમતા ધરાવતા આધુનિક અને સંપૂર્ણ ઓટોમેટેડ પનીર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.


