પાલનપુર પંથકમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ : ચિત્રાસણી ભટામલ રોડ પર મોટા પાયે રોયલ્ટીની ચોરી 

ગરવીતાકાત,પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ભૂમાફીયાઓ બેફામ બની મોટા પાયે રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે. તેમ છતાં ભૂસ્તર વિભાગ અનદેખી કરી રહ્યુ છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામથી ભટામલ જવાના માર્ગ પર બે થી ત્રણ સ્થળે રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે. તેમ છતાં આ બાબતે કોઈ પગલાં ન ભરાતાં ભુસ્તર શાખાની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ઠેર ઠેર રોયલ્ટીની ચોરી માટે ખોદકામ થઇ રહ્યુ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. તેમાં કેટલાક ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાય તેવી સંભાવના છે.

ગરવી તાકાત દૈનિક પાલનપુરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પાલનપુર તાલુકાના ચિત્રાસણીથી ભટામલ જવાના માર્ગ પર બે થી ત્રણ સ્થળે મોટા પાયે રોયલ્ટીની ચોરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગની બાજુમાંથી મોટાપાયે રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તાર હોવાથી લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરી રહેલા રોયલ્ટી ચોરો સામે સ્થાનિક ખાણ ખનીજ વિભાગ તો પગલાં નહીં ભરે પરંતુ રાજ્યનું ઉચ્ચ કક્ષાનું ખાણ ખનીજ વિભાગ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઇ આ સંદર્ભે તપાસ હાથ ધરે તો મોટાપાયે રોયલ્ટી ચોરી કૌભાંડ ઝડપાય તેવી સંભાવના છે.

Contribute Your Support by Sharing this News: