વડનગરના અમતોલ દરવાજા પાસેથી વરલી મટકાનો જુગાર ધામ ચાલતો હતો
મહેસાણા એલસીબીએ વરલી મટકાના જુગારધામ પરથી 20 હજારનો મુદ્દામાલ ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમી રમાડતાં જુગારના સાહિત્ય તથા રોકડ રુપિયા 10,170 તથા બે મોબાઇલ મળી કુલ રુપિયા 20,170ના મુદ્દામાલ સાથે બે શખ્સોને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં ચાલતા વરલી મટકાના જુગાર, શટ્ટા બજારનો જુગાર ધામ ચલાવતો શખ્સનો ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ ડાહ્યાભાઇ, એએસઆઇ હરિસિંહ, હેકો. હેમેન્દ્રસિંહ, પીસી અબ્દુલગફાર, હેમેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા.
આ દરમિયાન હેકો. હેમેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વડનગરના અમતોલ દરવાજાની પાસે શાળાની નજીક જાહેર જગ્યામાં પઠાણ અસ્લમખાન દોલતખાન રહે. વડનગર અમતોલ દરવાજા ચકલા તા. વડનગરવાળો પોતાના આર્થિક ફાયદા સારુ ભાડુતી માણસ તરીકે મહંમદ આસીફ ઇસ્માઇલ સિપાઇ રહે. વડનગરવાળો વરલી મટકાનો જુગાર રમી રમાડતો હોય જે ગેરકાયદેસર વરલી મટકાનું જુગારધામ હાલમાં ચાલુ છે જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પર પહોંચી વરલી મટકાનો જુગાર ચલાવતાં બે શખ્સોને જુગારનું સાહિત્ય, રોકડ રકમ, મોબાઇલ સહિત કુલ રુપિયા 20,170ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.