ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સિવિલ ખાતે નવા ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં મેઈન ગેટ પાસે એક સેન્ટર તેમજ અંદરની બાજુ પણ એક અલગથી ટેસ્ટિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં શરદી ખાસીના લક્ષણો ધરાવતા લોકોના કોરોના ગાઈડલાઈન પ્રમાણે હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે સિવિલના મેઈન ગેટ પાસે 80 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંદર અન્ય એક સેન્ટર ખાતે ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવતા જોવા મળ્યા હતા.
મહેસાણા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા શહેરમાં ટેસ્ટિંગમાં વધારો કરવા એક ધનવંતરી રથ અને બે નવા ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા નિર્ણય લવાયો છે. અત્યાર સુધી અર્બન વિસ્તારમાં રેલવે સ્ટેશન, નવા બસ્ટોપ, આશ્રય હોટેલ, પાંચોટ બાયપાસ, સોમેશ્વર સર્કલ ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર થઈ ગયો છે. જેથી જિલ્લામાં સેમ્પલ લેવાની કામગીરીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલે 5020 સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે જિલ્લામાં હજુ પણ 8236 સેમ્પલના પરિણામ પેન્ડિગ છે જે આજે જાહેર કરવામાં આવશે.