વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં ધોળા દિવસે અજાણ્યા શખસોએ હાથફેરો કર્યો હતો.

 

ચાંદીની બે મૂર્તિઓ અને આભૂષણો સહિત કુલ રૃ.૭૩ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે વસાઈ પોલીસે ગુનો દાખલ થયા બાદ એલસીબીને એવી બાતમી મળી હતી કે, મંદિર ચોરીના મુદ્દામાલ સાથે બે મહિલાઓ અને બે પુરુષ ખાનગી કારમાં મહેસાણાથી ચાણસ્મા તરફ જઈ રહ્યા છે.

 

બાતમી આધારે વોચ ગોઠવી એક કારમાં જઈ રહેલા ચાર લોકોને ઝડપી લીધા હતા. તેમની આગવી ઢબે પૂછપરછ કરતા અમદાવાદની કુખ્યાત છારા ગેન્ગના સભ્યો હોવાનું બહાર આવ્યું હતું. અને બે મહિનામાં ૭થી વધુ મંદિર ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું હતું.

 

વિજાપુરના કુકરવાડામાં આવેલા ગોગા મહારાજના મંદિરને નિશાન બનાવતાં રૃ.૭૩ હજારની મત્તાની ચોરી કરી છે. જેની વિગતો પ્રમાણે રબારીવાસમાં આવેલા મંદિરમાં ભરબપોરે અજાણ્યા શખસોએ અંદર પ્રવેશ કરી ગોગા મહારાજની ત્રણ કિલો ચાંદીની મોટી મૂર્તિ, ૨૦૦ ગ્રામ ચાંદીની નાની મૂર્તિ, ચાંદીના બે ફોટા, ચાંદીના પારણા સહિતની વસ્તુઓની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા.

 

આ અંગે લાભુભાઈ રબારીએ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે.આ ચોરીનો મુદ્દામાલ બે સ્ત્રીઓ અને બે પુરુષો ચાણસ્મા બાજુ વેચવા જનાર છે તેવી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

 

જેના આધારે મહેસાણા બાયપાસ થઈ ચાણસ્મા તરફ જવાના રસ્તા તરફ એક ખાનગી કાર નીકળતા તેમાં એક પરમાર ચંદ્રકાન્ત ઉર્ફે મુન્નો વિનોદ તેની પત્ની ગીરાબેન તેમજ કમલેશ થાવર શ્યામચંદ અને તેની પત્ની પૂનમ રહે.નવા નરોડા-અમદાવાદ પાસેથી ગોગા મહારાજનો ફોટો, ચાંદીના ૧૦ છત્તર મળી આવ્યા હતા. જેથી તેમની પાસેથી કાર સહિતનો ૧.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

ક્રાઈમ બ્રાન્ચે આ ચારેય શખસોની આગવી ઢબે પુછપરછ કરતા મંદિર ચોરીનો સીલસીલો બહાર આવ્યો હતો. જેમાં ૭ જેટલી ચોરીઓ કબૂલ કરી હતી. આ ટોળકી તમામ મંદિરોની રેકી કરતી હતી. દર્શનાર્થીઓના સ્વાંગમાં આવી મંદિરમાં જઈ દર્શન કરતા હતા. અને જો કોઈ ન દેખાય તો આરામથી ચાંદીની મૂર્તિ, છત્તર સહિતના મુદ્દામાલની ચોરીઓ કરતા હતા. ચોરી કર્યા બાદ ટોળકીમાં સામેલ મહિલાઓ અમદાવાદના સોની બજાર ખાતે વેચાણ કરતી હોવાનું પણ તેમણે કબૂલ કર્યું હતું.