માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે ચીન સરકાર સાથે જોડાયેલા 1,70,000થી પણ વધારે અકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. કોઈ દેશ પર આટલા મોટા પ્રમાણમાં અકાઉન્ટ બંધ કરવાની આ પ્રથમ ઘટના છે. ટ્વિટરે ચીની સમર્થિત ટ્વિટ એકાઉન્ટ પર હથોડો ચલાવ્યો છે. આ ટ્વિટર હોલ્ડર ચીનના સમર્થનમાં ટ્વિટ કરીને અફવાઓ ફેલાવી રહ્યા હતા.

ટ્વિટરે ચીનની સામ્યવાદી સરકારનું ઝનૂની સમર્થન કરી રહેલાં લગભગ 1.70 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એક નિવેદનમાં આ અંગેની જાણકારી આપી હતી. એક અંગ્રેજી ચેનલના રિપોર્ટ પ્રમાણે, આ એકાઉન્ટ ચીન અને તેની નીતિઓનું સમર્થન કરતા હતા અને દરેક મુદ્દે જિનપિંગ સરકારના વલણને યોગ્ય ગણાવતા હતા. હોંગકોંગમાં ચીન વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ ઉપરાંત કોવિડ-19 અંગે ચીનના વલણની દુનિયાના ઘણા દેશોમાં ટીકા થઈ રહી છે. પરંતુ ટ્વિટર પર લાખો એકાઉન્ટ્સ ચીનની નીતિનું આંધળું સમર્થન કરી રહ્યા હતા, એટલું જ નહિ, વિખવાદ પેદા કરી રહ્યાં હતાં. હોંગકોંગમાં ઘણા મહિનાઓથી લોકતંત્રના સમર્થનમાં આંદોલન ચાલી રહ્યું છે. ઘણી વખત આ આંદોલન હિંસક પણ થઈ ગયું હતું. ગત દિવસોમાં ચીને અહીંયા નવો કાયદો લાગુ કર્યો છે. દુનિયાભરમાં તેની ટિકા થઈ હતી. પરંતુ ટ્વીટર પર ઘણા એકાઉન્ટ્સ એવા હતા જેમણે ચીનના પગલાને યોગ્ય ગણાવ્યા હતા. ટ્વિટરે રશિયા અને તુર્કી સાથે જોડાયેલા ઘણા એકાઉન્ટને પણ બંધ કર્યા છે. તેમની પર પણ એ જ આરોપ છે કે તેઓ પણ ચીનનું સમર્થન કરી રહ્યા છે. રશિયાના લગભગ 1000 એકાઉન્ટસ અને તુર્કીમાં 7340 એકાઉન્ટ્સ બંધ કરી દેવાયા છે.

Contribute Your Support by Sharing this News: