ફાયર સેફ્ટીના સાધનો છતાં પાલિકા એનઓસી આપતી નથી: ફાયર સેફ્ટીના સાધનો મેળવવા દોડતા થયા છે. છેલ્લા બે દિવસ અગાઉ શહેરના ટ્યૂશન સંચાલકોએ ખાનગી ફાયર સેફ્ટીના સાધનનું વેચાણ કરતાં વેપારી પાસેથી ફાયર સેફ્ટીની તાલીમ મેળવી ફાયર સેફ્ટીના સાધનો વસાવાયા પરંતુ શહેરની પાલિકા દ્વારા એનઓસી ન અપાતાં ટ્યુશન સંચાલકો પોતાના ટ્યૂશન ખોલી શક્યા નહોતા ત્યારે શહેરના વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધેલી હોવા છતાં ટ્યુશન ક્લાસિસ ખોલી ન શકતા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તેને લઈ એક સંચાલકે સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા દ્વારા સમજી ન શકતા છેવટે ગુરુવારથી સંચાલકે શહેરમાં આવેલી કલેક્ટર કચેરીના બગીચામાં જ ટ્યુશન ક્લાસિસ શરૂ કરી દીધા હતા જેમાં ટ્યૂશન સંચાલકે આવેલા વિદ્યાર્થીઓને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી હતી

એનઓસી નહીં મળે ત્યાં સુધી અહીં જ ભણાવીશ: ટ્યૂશન સંચાલક રવિ સોનીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ટ્યુશન ક્લાસિસ બંધ કરાવતા અમારા વિદ્યાર્થીઓ શિક્ષણ વિના બેહાલ બન્યા હતા. જેને લઇ વિદ્યાર્થીઓએ અવારનવાર મને રજૂઆત કરી કે સાહેબ આગળ પરીક્ષાઓ આવે છે અને અમારું ભણતર બગડે છે, જેને લઇ મેં આજથી કલેક્ટર કચેરીના બગીચામાં જ ટ્યુશન ક્લાસે શરૂ કર્યું છે. જ્યાં સુધી એનઓસી નહીં મળે અને ટ્યૂશન ક્લાસિસ ખોલવા નહીં મળે ત્યાં સુધી હું વિદ્યાર્થીઓને અહીં બગીચામાં જ ભણાવીશ.

અમે ક્લાસિસની ફી ભરી છે શિક્ષણ મેળવવા અમારો અધિકાર છે: વિદ્યાર્થિની રીના જોષીએ જણાવ્યું હતું કે, અમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ કરવા ફી ભરી છે, પરંતુ તાજેતરમાં સુરતમાં બનેલી ઘટનાને લઈ ક્લાસિસ બંધ કરાવી દેતાં અને કેટલાક દિવસથી શિક્ષણ મળ્યું નથી. જ્યારે આગામી દિવસોમાં અમારી પરીક્ષા આપી લઈ છે જેને લઇ અમે શિક્ષકને રજૂઆત કરી કે અમે ફી ભરી છે શિક્ષણ મેળવવા અમારો અધિકાર છે ત્યારે અમારા ટ્યૂશન સંચાલકે પાલનપુર કલેક્ટર કચેરીના બગીચામાં જ અમારા ટ્યૂશન શરૂ કર્યા છે.