દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે કેન્દ્ર સરકારે રાત્રે 9થી સવારે 5 સુધી કરફયુનો કડક અમલ કરાવવા તાકીદ કરી છે. જો કે, કરફયુના આ સમયગાળામાં ટ્રક-ટ્રાન્સપોર્ટ તથા પ્રવાસી બસોને ચાલવા દેવાની છુટ્ટ આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે તમામ રાજયોને પરિપત્ર પાઠવ્યો છે તેમાં એમ કહેવાયું છે કે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી લોકોને બહાર ન નીકળવા દેવામાં આવે. પરંતુ ટ્રાન્સપોર્ટેશનના વાહનો તથા પ્રવાસી બસોને રોકવાની કોઈ જરૂર નથી. સપ્લાય ચેઈન જાળવવા માટે ટ્રાન્સપોર્ટેશન વાહનોની હેરફેર અનિવાર્ય છે. રાત્રે દોડતી ખાનગી બસોને પણ અટકાવવામાં ન આવે.
કેટલાંક રાજયો વાહનો-બસો રોકતા હોવાનું ધ્યાને આવતા આ ચોખવટ કરાયાનું પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. લોકોને બહાર નીકળતા રોકવા પાછળનો આશય ભીડ એકત્રીત થતી અટકાવવા તથા સોશ્યલ ડીસ્ટનસીંગનું પાલન કરાવવાનો છે. ટ્રાન્સપોર્ટ વાહનો-પ્રવાસી બસો-ટ્રેનમાં પ્રવાસ કરતા લોકોને તે લાગુ પડતો નથી.