-> કોઈપણ બિમાર વ્યક્તિને હાથ ફેલાવો ન પડે તેવા આશયથી સરકારે આયુષ્માન ભારત જેવી યોજનાનું સફળ અમલીકરણ કર્યું – જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી :
-> મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે આદિજાતિના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા યુવાઓને સન્માનિત કરાયા તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા :
-> આદિજાતિના લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી જાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તાકીદ કરતા પ્રભારી મંત્રી :
ગરવી તાકાત મહેસાણા : રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે,ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી જનસમુદાયને પ્રેરણા મળે તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઓળખ આપી છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ.

અને વંદે માતરમ@150 જેવા રાષ્ટ્રીય પર્વોની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની નાની વયના ખૂબ જ ટૂંકા જીવનકાળમાં ભગવાન બિરસા મુંડા આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. આદિવાસી સમાજના રક્ષણાર્થે અંગ્રેજો તથા જમીનદારો સામે જંગ છેડ્યો હતો. આથી સરકારે ભગવાન બિરસા મુંડાના જીવનને ઉજાગર કરવાના હેતુથી સમગ્ર રાજ્યમાં બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રભારી મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ બિમાર વ્યક્તિને હાથ ફેલાવો ન પડે તેવા આશયથી સરકારે આયુષ્માન ભારત, મા કાર્ડ, અમૃત કાર્ડ જેવી યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે જેનો લાભ આજે અનેક લાભાર્થીઓ લઈ રહ્યા છે.

વધુમાં મંત્રીએ મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓને જિલ્લામાં છુટાછવાયા રહેતા આદિજાતિના લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ઉપસ્થિતોને સમાજમાં જો કોઈ કુરિવાજો અને કુટેવો હોય તો આ કુરિવાજો અને કુટેવો દૂર કરવા સૌને અપીલ કરી હતી. લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદી પૂર્વે અંગેજોના દમન સામે ભગવાન બિરસા મુંડાએ લડત આપી રાષ્ટ્રપ્રથમના મંત્રને ચરિતાર્થ કર્યો હતો. અનુસૂચિત જનજાતિ સમુદાય એ કુદરતના ખોળામાં જીવન નિર્વાહ કરતું આદિજાતિ સમુદાય છે, જેના સંઘર્ષ અને વિકાસની ચિંતા કરતા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તેમના રીત- રિવાજો તેમજ ધાર્મિક પરંપરા સચવાઈ રહે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

તેમજ જનજાગૃતિ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે આદિજાતિના ઉત્કર્ષમાં નોંધપાત્ર સુધારો થયો છે. મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. તેઓ જળ, જમીન અને જંગલના રક્ષણ માટે અનેકગણું યોગદાન આપ્યું હતું. તેમજ પ્રકૃતિને મહત્વ આપ્યું હતું. વડાપ્રધાનએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપેલા સંકલ્પમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું,

તેમજ ઊંઝા મહિલા કોલેજના આચાર્ય હસમુખભાઈ પટેલે જનજાતિય ગૌરવ વર્ષ અને બિરસા મુંડાનું જીવન કવન રજૂ કર્યું હતું. ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના સાથોસાથ સેવાસેતુ, મેડિકલ કેમ્પ, આદિજાતિના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોનો સન્માન અને વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાનું સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ધારાસભ્ય સર્વે કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, સી. જે. ચાવડા, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, પૂર્વ સાંસદ નટુભાઈ ઠાકોર અને જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીન, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, નિવાસી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


