ગરવી તાકાત મહેસાણા: વડનગર સિવિલ નેશનલ મેડીકલ કમિશન અંતર્ગત (NMC) નવું ટ્રોમા સેન્ટર ઊભું કરાયું છે. જેનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના હસ્તે સોમવારે ઉદ્ઘાટન કરાયું હતું. આ સુવિધા ઊભી થતાં હવે અહીં ગંભીર હાલતમાં આવતાં દર્દીઓને અમદાવાદ રિફર નહીં કરવા પડે. અહીં જ સંપૂર્ણ સારવાર મળી રહેશે. હાલમાં 30 બેડ સાથે ઊભો કરાયેલા આ વોર્ડમાં સેન્ટ્રલ ઓક્સિજન, વેન્ટીલેટર, મોનિટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. અહીં 24 કલાક જનરલ સર્જન, ફિજિશિયન સહિત તબીબ હાજર રહશે.
વડનગર સિવિલમાં અગાઉ પૂરતી સવલતો ન હોવાથી અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા કે એટેકના દર્દી સહિતને અમદાવાદ કે ગાંધીનગર મોકલવા પડતા હતા. ક્યારેક સમયસર ન પહોંચી શકતાં મોતને પણ ભેટતા હતા. જોકે, વડનગર સિવિલમાં હવે નવું ટ્રોમા સેન્ટર એટલે કે ઈમરજન્સી મેડિકલ ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે. જેને લઈ હવે દર્દીઓને અહીં જ સારવાર મળી રહેશે. નવા ટ્રોમા સેન્ટરનું ઉદઘાટન હોસ્પિટલના અધિક્ષક ર્ડા.મુકેશ દિનકર અને ડીન હિમાંશુ જોષીના હસ્તે કરાયું હતું.
ગંભીર હાલતમાં આવતા દર્દીને બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી, પેશાબમાં નળી નાખવા સહિતની જરૂરી સારવાર અહીં જ મળી રહેશે. દર્દી સ્ટેબલ થયા પછી રિફર કરાશે. આ પ્રસંગે ર્ડા.સુનિલ ઓઝા, ર્ડા.ભાવેન કટારિયા, ર્ડા.આશીષ ખરાડી, ર્ડા.શ્વેતા પ્રજાપતિ સહિત હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો હતો.