પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે
પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે
ગરવી તાકાત, મહેસાણા તા. 21 – વડાપ્રધાન મોદી તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા મહેસાણા આવી રહ્યા છે. તરભ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હાજર રહેવાના હોઇ સમગ્ર વિસનગર તાલુકામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોં છે. તો વાળીનાથ ધામ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ પીએમ મોદી ગુજરાતને વધુ એક મહત્ત્વની ભેટ આપી રહ્યાં છે.
પ્રધાનમંત્રી 22મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. લગભગ 12:45 વાગ્યે પ્રધાનમંત્રી મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 1 વાગે માહેસાણાના તરાભમાં એક જાહેર સમારંભમાં સહભાગી થશે.
જ્યાં તેઓ રૂ. 8,350 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ દેશને આશરે રૂ. 17,500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યો સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી સાંજે 6:15 વાગ્યે કાકરાપાર પરમાણુ વિદ્યુત મથકની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કરશે.