મકરસંક્રાંતિ પૂર્વે પતંગ-દોરીની ખરીદી માટે મહેસાણામાં પડાપડી, ઉત્તરાયણ પર્વમાં દાન-પુણ્યનો અનેરો મહિમા
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – આજે મકર સંંક્રાંતિ પૂર્વે પતંગ દોરાની ચિકકાર ખરીદી બજારમાં જોવા મળશે. શેરડી, ખજુર, ચીકી પાક, જીંજરા, ઉંધીયુ, ખીચડો, જલેબી વગેરે લોકો આરોગીને પર્વની ઉજવણી કરશે. મકર સંંક્રાંતિનો દિવસ એટલે દાન-પુણ્યનો દિવસ છે. જીવદયામાં લોકો ફાળો લખવાીને પુણ્ય સંચિત કરે છે. સૌરાષ્ટ્રભરમાં વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળ દ્વારા રાવટીઓ ઉભી કરાય છે અને જીવદયામાં લોકો હોેંશે હોંશે ફાળો નોંધાવે છે.
મકર સંંક્રાંતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. ગુજરાતમાં આ દિવસોમાં ખીચડો, ઉંધીયુ અને જલેબી આરોગવાનો મહિમા છે. આ ઉપરાંત ઘઉંની ઘુઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. મકર સંંક્રાંતિના દિવસે ગાયોની પૂજા અને ઘાસ નાખવામાં આવે છે. આ દિવસે વહેલી સવારથી પોતાના ઘરની છત અને અગાસીઓ પર ચઢીને હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ ‘કાપ્યો છે’ લપેટ લપેટ જેવી કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્ર ધનુષ્યની માફક રંગબેરંગી પતંગો વડે છવાય જાય છે આ દિવસે તલ સાંકળી, ચિકી લોકો ખાય છે તેમજ શેરડી તથા જીંજરા, બોર ખાવામાં આવે છે.
લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ’ (કાગળનો દિવો) ઉડાડે છે. જેને ‘તુકકલ’ તરીકે ઓળખવામાં આવે છે. મકર સંંક્રાંતિનો બીજો દિવસ ‘વાસી ખીહર’ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવાર ઉજવવામાં આવે છે.
સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. આવતીકાલે મકર સંંક્રાંતિની જાહેર રજા છે. તથા તા. 15મીના ધાર્મિક દ્રષ્ટિએ મકર સંંક્રાંતિ ઉજવાશે. મકર સંંક્રાંતિ પછીના બીજા દિવસે વાસી ઉતરાણ ઉજવવામાં આવે છે. ઇ.સ. 2016ના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકર સંંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી.
આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે, આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 1800 વર્ષ પહેલા મકર સંંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી. મકર સંંક્રાંતિને શુભ સમયની શરૂઆત માનવામાં આવે છે. મકર સંંક્રાંતિ બાદ લગ્ન કે શુભ કાર્યોનો પ્રારંભ થાય છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે.