નકલી પોલીસ બનીને લોકો પાસે તોડ કરનાર લોકોની અવારનવાર પોલીસ ધરપકડ કરતી હોય છે. તાજેતરમાં શહેરકોટડા પોલીસે નકલી પોલીસનો પર્દાફાશ કરતાં એક બોગસ ડીવાયએસપીની ધરપકડ કરી છે. કોન્સ્ટેબલ યુવતી સાથે લગ્ન કરવા માટે ધોરણ-૧૦ પાસ કરેલ સુરેન્દ્રનગરનો યુવક ખાખી વરદી પહેરીને ડીવાયએસપી બન્યો હતો. પોલીસ સકંજામાં આવેલા આ ડીવાયએસપીએ શાહપુર પોલીસ સ્ટેશનની ખાનપુરચોકીમાં પીએસઆઇની ખુરશીમાં બેસીને ફોટા  પડાવ્યા હતા.  

પોલીસને બાતમી મળી હતી કે મેમ્કો સર્કલ પર દિનેશ મહેરિયા નામનો યુવક ડીવાયએસપી બનીને લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એલ. ઝેબલિયા અને તેમની ટીમે વોચ કરી હતી, જેમાં દિનેશ પોલીસનો યુનિફોર્મ પહેરીને રોફ મારતો હતો અને લોકો પાસેથી રૂપિયા ઊઘરાવતો હતો. પોલીસે ‌દિનેશની રંગેહાથ ધરપકડ કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લાવ્યા હતા.

દિનેશ સાચો ડીવાયએસપી હોય તેમ રોફ મારતો હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દિનેશની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેને સાંભળીને પોલીસ પણ વિચારમાં પડી ગઇ હતી. ધોરણ-૧૦ પાસ કરેલ સુરેન્દ્રનગરનો દિનેશ જીપીએસસી કમ્પ્લેટ કરીને ડીવાયએસપી બન્યો હોય તે રીતનું વર્તન કરતો હતો.

દિનેશ મહે‌રિયાની ૧પ દિવસ પહેલાં પોલીસ કોન્સ્ટેબલ યુવતી સાથે સગાઇ થઇ હતી. તે પોતે કરાઇમાં પ્રોબેશનર ડીવાયએસપી છે અને કરાઇમાં ટ્રે‌નિંગ ચાલી રહી છે તેમ કહીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. દિનેશ મહે‌રિયા થોડાક દિવસ પહેલાં શાહપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો અને પ્રોબેશનર ડીવાયએસપી તરીકેની ઓળખ આપી હતી. પ્રોબેશનર ડીવાયએસપીને આઇકાર્ડ નહીં મળતું હોવાથી શાહપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ખરેખર તેને ડીવાયએસપી સમજી બેઠા હતા અને તેની આગતા-સ્વાગતા કરી હતી. શાહપુર પોલીસ સ્ટેશનની ખાનપુર પોલીસચોકીમાં આ બોગસ ડીવાયએસપીએ ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા.

Contribute Your Support by Sharing this News: