કોરોના મહામારીના પગલે સરકારી કચેરીઓમાં અરજદારોની ભીડને નિયંત્રિત કરવા ઉચ્ચ અધિકારીઓની વિવિધ સૂચનાઓના પગલે વ્યવસ્થાઓમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં મહેસાણા મામલતદાર કચેરી કંપાઉન્ડમાં આવતાં અરજદારોના વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવતાં કંપાઉન્ડની બહારના માર્ગ પર વાહનોનું પાર્કીંગ થતાં અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.
મહેસાણામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થતાં કેટલાક દિવસો અગાઉ પૂર્ણ સ્ટાફ સાથે સરકારી કચેરીઓમાં ફિઝીકલ કામગીરી શરૂ કરવા આદેશ કરાયા હતા. પરિણામે, લગભગ દોઢ મહિના બાદ મહેસાણા સ્થિત મામલતદાર તેમજ પ્રાન્ત અધિકારીની કચેરીમાં મોટી સંખ્યામાં સરકારી કામકાજ અર્થે અરજદારો ઉમટી પડ્યા હતા. ઉપરોક્ત સ્થિતિને જોતાં સપ્તાહ અગાઉ ઉચ્ચ અધિકારીની સૂચનાથી બે હોમગાર્ડને ફરજ સોંપી અરજદારોને કંપાઉન્ડમાં વાહનો ન લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કચેરીના અધિકારી અને સ્ટાફના વાહનો માટે મુક્તિ આપવામાં આવી છે.
મહેસૂલી અધિકારીના આ નિર્ણયથી મહેસાણા મામલતદાર કચેરી કંપાઉન્ડની બહાર આવેલ જાહેર માર્ગ પર આડેધડ અરજદારો વાહનો પાર્કીંગ કરવા માંડ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર માટેનો માર્ગ સાંકડો બની જવા પામ્યો છે. મહેસાણા પ્રાન્ત અધિકારી તેમજ મામલતદાર કચેરીમાં દરરોજ આવતાં વાહનોને કંપાઉન્ડની બાજુમાં આવેલ ખૂલ્લી સરકારી જમીનમાં પાર્ક કરાવવામાં આવે તો રોડ પર થતો ટ્રાફિક હળવો થઈ શકે તેવી રજૂઆતો પણ અધિકારીઓને કરવામાં આવી હતી. પરંતુ, સરકારી કચેરીઓમાં આવતાં વાહનોનો ટ્રાફિક પાર્કિંગના સ્વરૂપમાં રોડ પર આવી જતાં દિવસ દરમિયાન ભારે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે.