શાળાના આચાર્ય, ક્લાર્ક અને શાળાના સંચાલકે એડમિશન માટે રૂ. 20 હજારની લાંચ માંગી હતી
ધોરણ-11 સાયન્સમાં એડમિશન માટે નિયત ફી રૂ.380 હોવા છતાં 20,000 લાંચ માંગવામાં આવી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – પાંથાવાડાની તિરૂપતિ બાલાજી મા. અને ઉચ્ચતર મા.શાળાના શાળાના આચાર્ય, ક્લાર્ક અને શાળાના સંચાલકે એડમિશન માટે વિદ્યાર્થીના પિતા પાસે રૂ.૨૦ હજારની લાંચ માંગતા આ અંગે વિદ્યાર્થીના પિતાએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે આવેલી ગ્રાન્ટેડ શાળા શ્રી તીરૂપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળામાં એડમિશન માટે આવેલ વિદ્યાર્થીના પિતા પાસે તેમના દિકરાને ધોરણ-૧૧ સાયન્સમાં એડમિશન લેવાનુ હોઇ જે ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારાધોરણ મુજબની નિયત કરેલ ફી રૂપિયા ૩૮૦/- ચાલતી હોઇ તેમ છતા તેમની પાસે આચાર્ય મનોજકુમાર કાનજીભાઇ પટેલ તથા શાળા સંચાલક અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળીએ રૂ. ૨૦,૦૦૦ લાંચની માંગણી કરી હતી.
જેમા રૂા.૧૦,૦૦૦/- બીજા સત્રમાં તથા રૂા.૧૦,૦૦૦/- હાલમાં આપવાનુ જણાવ્યુ હતુ. જેમાં લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ એ.સી.બી નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આચાર્યએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ શાળાના ક્લાર્ક અર્જુનભાઇ ઉર્ફે અરજણભાઇ મશરૂભાઇ સોંલકીને આપી દેવા જણાવ્યું હતું. આથી લાંચના નાણા રૂ.૧૦,૦૦૦ સ્વીકારતા એસીબી ટીમે રંગેહાથ ઝડપી પાડયા હતા. બનાસકાંઠા એ.સી.બી. પોલીસ મથકના પીઆઇ એન.એચ.મોર અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટ્રેપ સફળ રહી હતી.
ઝડપાયેલા આરોપીઓના નામ
(૧) મનોજકુમાર કાનજીભાઇ પટેલ, હોદ્દો- આચાર્ય, વર્ગ-૩
(૨) અર્જુનભાઇ ઉર્ફે અરજણભાઇ મશરૂભાઇ સોંલકી, શિક્ષક કમ કલાર્ક (એડ હોક)
(૩) અરવિંદકુમાર ગીરધરલાલ શ્રીમાળી, હોદ્દો-શાળા સંચાલક