મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝાના શુકન આર્કેડમાં ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ ખેંલીઓને દબોચી લીધા
ક્રિકેટનો સટ્ટો રમાડવા મોબાઇલ એપ આપનાર રાણીપના શખ્સ વિરુધ્ધ ઊંઝામાં ગુનો નોંધાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – (Sohan Thakor) ઊંઝા હાઇવે પર આવેલા શુકન આર્કેડના ત્રીજા માળે ક્રિકેટ સટ્ટાની મોબાઇલ એપ પર આઇપીએલની મેચોનો ક્રિકેટ સટ્ટો રમતા રમાડતાં ત્રણ સટ્ટોડીયાઓને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.81 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.
આઇપી એલની મેચો ચાલતી હોય જેથી મોટા પ્રમાણમાં સટ્ટોડીયાઓ મોબાઇલ એપ પર ક્રિકેટનો સટ્ટો રમી રમાડી રહ્યા છે જેને પગલે પોલીસતંત્ર મહેસાણા જિલ્લામાં બાજ નજર નાખી ક્રિકેટ રમતા સટ્ટોડીયાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદિપકુમાર, પીસી સંજયકુમાર, જોરાજી, જસ્મીનકુમાર, આકાશકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતો તે દરમિયાન પીસી સંજયકુમાર તથા જસ્મીનકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે,
ઊંઝા હાઇવે ઉપર માધવી સ્વીર્ટ માટે પાસે શુકન આર્કેડના ત્રીજા માળે મોબાઇલ એપ પર શંકરસિંહ ગણપતસિંહ દરબાર રહે. ડબરગની પીંપળ મોદી સમાજની વાડી, ઊંઝાવાળો, દિનેશભાઇ શંકરલાલ પટેલ રહે. સ્વામિ નારાયણ કોલોની જીવાપરા, ઊંઝાવાળો તથા વિકાસ મહેન્દ્ર પટેલ રહે. ગાંધીચોક ઊંઝાવાળો ત્રણેય મળી મોબાઇલ પર ક્રિકેટ મેચનો સટ્ટો રમાડી રહ્યા છે. મળેલી બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝા પહોંચી ક્રિકેટ સટ્ટો રમાડતાં ઉપરોક્ત ત્રણેય સટ્ટોડીયાઓને રોકડ રકમ 15,180 તથા આઠ નંગ મોબાઇલ, સેટ અપ સહિત મળી કુલ રૂપિયા 1,81,680નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સટ્ટોડીયાઓને દબોચી લીધા હતા. જ્યારે ક્રિકેટ મેચના સટ્ટાની એપ આપનાર અમદાવાદના રાણીપ ખાતે રહેતો વિજય મણીલાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.