-> RTO સહિત જવાબદાર તંત્ર મૌન રહેતાં અનેક સવાલો :
ગરવી તાકાત બનાસકાંઠા : સરહદી સુઈગામ તાલુકાના માધપુરા, મસાલી, બોરુ, દુદોસણ સુઈગામ, જલોયા નજીકના રણમાં છેલ્લા કેટલાય સમયથી મીઠા ઉદ્યોગ થકી અનેક પરિવારો ગુજરાન ચલાવે છે, રણમાં મીઠું પકવ્યા બાદ કસ્ટમ હાઈવે સાઈડમાં મીઠાના ગંજ બનાવવામાં આવ્યા છે,જ્યાંથી મીઠું ટ્રક,ડમ્પર ટ્રેઇલર ભરીને સપ્લાય થાય છે, મીઠું ભરીને નીકળતી મોટા ભાગની ટ્રકો,ટ્રેઇલર કે ડમ્પરો ઓવરલોડ ભરેલા હોય છે,અને ઉપર કાંઇ ઢાંકેલ ના હોવાના કારણે ઠેર ઠેર મીઠું વેરાય છે, જેને લઈ નાના વાહનોનો અકસ્માત પણ થાય છે,
વળી રોડની સાઈડમાં વેરાતાં મીઠાના લીધે નજીકના ખેતરોમાં ક્ષાર આવતો હોઈ ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે, કોઇપણ જાતની રોકટોક વગર ઓવરલોડ મીઠું ભરી હેરાફેરી કરતા ટ્રક,ટ્રેઇલર પર જવાબદાર તંત્ર જાણે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે, સુઈગામથી છેક અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં આ રીતે ઓવરલોડ મીઠું ભરી ટ્રકો આવજા કરે છે, પણ કોઈ જગ્યાએ RTO કે અન્ય કોઈ તંત્ર કોઈ કાર્યવાહી કેમ કરતા નથી,એ એક સવાલ છે, શું તંત્ર હપ્તાના હાડમાલામાં ચુપ છે કે કોઈ રાજકીય ઓથ તળે ટ્રક ચાલકો ઓવરલોડ મીઠું ભરી આવજા કરે છે??
-> સુઈગામમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી :- ઓવરલોડ મીઠું ભરી બેફામ દોડતી ટ્રકો તેમજ ડમ્પર અને ટ્રેઈલરને લઈ સુઈગામના યુવા અગ્રણી ભરતસિંહ રાજપૂતે તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે,તેમણે કહ્યું કે ઓવરલોડ મીઠું ભરી દોડતી ટ્રકોમાં કોઇપણ જાતનું ઉપર કંતાન બાંધેલ ના હોવાના કારણે રસ્તા પર વેરાતાં મીઠાથી નાના વાહનો સ્લીપ થઈ જતાં અકસ્માતો થાય છે, વળી રોડ સાઈડમાં સતત વેરાતા રહેતા મીઠાના કારણે નજીકના ખેડૂતોની જમીનમાં પણ ક્ષાર આવવાની સંભાવના છે,ત્યારે નિયમ મુજબ મીઠું ભરે અને ઉપર વ્યવસ્થિત ઢાંકીને વાહન ચાલકો ચાલે તો ઠીક છે, નહિતર અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવું પડશે..


