પાણી લિકેજની જાણ મહેસાણા નગરપાલિકા તંત્રને થતા તાત્કાલિક રિપેરીગ કામ હાથ ધરવામાં આવ્યું હતું
ગરવી તાકાત, મહેસાણા તા. 28 – મહેસાણામાં તાલુકા પંચાયત અને સિંધી સોસાયટી પાસે નગરપાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયુ હતું. જેથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લીકેજ થયેલ પાણી રોડ પર વહેવા લાગ્યું હતું. પાણી લિકેજની જાણ મહેસાણા નગરપાલિકા તંત્રને થતા તાત્કાલિક રિપેરીગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તાતી જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં પાણીનો વેડફાટ થતો જોઇ અહીંથી પસાર થતાં રાહદારીઓમાં કચવાટ જોવા મળ્યોં હતો.
મહેસાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની દીવાલ નજીકથી પસાર થતી મહેસાણા નગરપાલિકાની પાણીના વિતરણની લાઈનમાં આવેલ એર વાલ્વ લીકેજ થતા જિલ્લા કોર્ટ તરફ આવવા જવાના રસ્તા પર હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મોટા પ્રમાણમાં પાણી લીકેજ થતા રોડ પર પાણીની નદીઓ જોવા મળી હતી. ત્યાંથી પસાર થતા લોકો દ્વારા પાણીના લિકેજીગ બાબતે પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે પાલિકાના કર્મીઓએ લીકેજ વાળી પાણીની લાઈનની પુરવઠો બંધ કરી તાત્કાલિક તેનું રિપેરીગ કામ હાથ ધરાયુ હતું. જોકે, લાઈન પર પાણીનો એર વાલ્વ તૂટી ગયેલો હોઈ તેણે બદલી નવો એર વાલ્વ નાખતા પાણી લીકેજ થતું બંધ કરવામાં આવ્યું હતું.