આગામી તા.26મીના રવિવારના ફાગણ સુદ સાતમના રાત્રીના 1 વાગ્યાથી હોળાષ્ટકનો પ્રારંભ થશે
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – આગામી તા.26મીના રવિવારના ફાગણ સુદ સાતમના રાત્રીના 1 વાગ્યાથી હોળાષ્ટકનો પ્રારંભ થશે તથા ફાગણ સુદ 14ના સોમવાર તા.6ઠ્ઠીના હોળી પ્રાગટય સાથે હોળાષ્ટક પૂરા થશે. હોળાષ્ટકમાં શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.આ વર્ષે પંચાંગ પ્રમાણે તથા જયોતિષના ગ્રંથો પ્રમાણે ફાગણ સુદ 14ના તા.6ઠ્ઠીના સોમવારે હોળી દહન થશે તથા ફાગણ સુદ પુનમના તા.7ના મંગળવારે ધુળેટી પર્વ મનાવાશે. 
આ વર્ષે હોલિકાદહન ફાગણ સુદ 14ના તથા ધુળેટી પુનમના દિવસે મનાવવામાં આવશે. હોળીના આઠ દિવસ અગાઉ ભકત પ્રહલાદને મારવાની તૈયારી કરવામાં આવેલી હોવાથી હોળાષ્ટક તરીકેનો ઉલ્લેખ છે. આ સમય દરમ્યાન લગ્ન, વાસ્તુ વગેરે શુભ કાર્યો થતા નથી.હોળાષ્ટક દરમ્યાન શ્રી સત્યનારાયણની કથા, ચંડીપાઠ, જાપ, લઘુરૂદ્રી વગેરે કરવાથી શુભ ફળ મળે છે.
લગ્નના મુહૂર્તો
તા.7મીના ધુળેટી પર્વ બાદ લગ્નના છ મુહૂર્તો છે. જેમાં તા.8મી માર્ચ, તા.9, 10, 11, 13, 14મી માર્ચ લગ્ન માટેના શુભ મુહૂર્તો છે. તા.14 માર્ચથી મીનારક કમુહૂર્તાનો પ્રારંભ થશે જે તા.14મી એપ્રિલના શનિવાર સુધી રહેશે. મીનારક કમુહૂર્તામાં લગ્ન થતા નથી. તા.6ઠ્ઠી માર્ચના હોળી પ્રગટે એટલે હોળાષ્ટક પૂર્ણ થયેલા ગણાય છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)એ જણાવેલ છે.


