અમદાવાદમાંથી ચાલુ વર્ષે 28 બોગસ ડોક્ટર્સ ઝડપાયા – કમ્પાઉડર્સ,10-12 પાસ ડોક્ટરો બની બેઠ્યા હતા !

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના વાઇરસનો કહેર ઓછો થઇ ગયો છે ત્યારે ઠેરઠેર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો વધુ ને વધુ જાેવા મળી રહ્યા છે. પેશન્ટ માટે ડોક્ટર એ બીજું ભગવાનનું રૂપ ગણવામાં આવે છે, જે લોકોને નવજીવન આપે છે, પરંતુ આજે સમાજમાં એવા કેટલાક બની બેઠેલા ભગવાનનો રાફડો ફાટી નીકળ્યો છે, જે રૂપિયાની લાલચે પેશન્ટના જીવન સાથે ચેડાં કરે છે. ડિગ્રી વગરના ડોક્ટરો પેદા થયા છે, જે પોતાનાં દવાખાનાં ખોલીને બેઠા છે. અમદાવાદ જિલ્લા પોલીસે વર્ષ 2021ના જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કુલ 28 બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ કર્યો છે અને સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા છે. આ સિવાય હજુ પણ કેટલાક એવા બોગસ ડોક્ટર્સ છે, જે બિનધાસ્ત પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

બે-ત્રણ વર્ષ કોઇ એમબીબીએસ કે અન્ય ડિગ્રી ધરાવતા ડોક્ટરની સાથે કમ્પાઉન્ડર કે નર્સ તરીકે નોકરી કરતા લોકો આજે પોતે બોગસ ડોક્ટર બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઇન્જેક્શન મારવાનું ડોક્ટર પાસે શીખી જાય, પેશન્ટને નીડલ લગાવીને ગ્લુકોઝનો બાટલો કેવી રીતે ચઢાવવો તે શીખી જાય અને તાવ, શરદી, ઉધરસ માટે કઇ દવા આપવી તેમજ બ્લડ પ્રેશર અને શુગર કેવી રીતે ચેક કરવાં તે આવડી જાય એટલે કોઇ પણ કમ્પાઉન્ડર ડોક્ટર બની જાય છે.

અમદાવાદ જિલ્લા પોલીસના એસઓજી(સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ના પીઆઇ ડી.એન. પટેલે જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં આવેલાં અલગ અલગ ગામમાં ડિગ્રી વગર દવાખાનું ખોલીને બેઠેલા 28 બોગસ ડોક્ટર્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જાન્યુઆરી-2021થી ચાલુ મહિના સુધી કુલ 28 લોકોની ધરપકડ કરી છે, જે લોકો પાસે કોઇ પણ પ્રકારની ડોક્ટરની ? ડિગ્રી ન હોવા છતાં પણ પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હતા અને દવા આપતા હતા. એસઓજી પોલીસે અસલાલી, સાણંદ, કોઠ, ધોળકા, બગોદરા, નળસરોવર સહિતનાં પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટર્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જે નાનાં નાનાં ગામમાં પોતાની ડોક્ટરની દુકાન ચલાવતા હતા. ધરપકડ કરાયેલા તમામ લોકો પાસે ડોક્ટરની ડિગ્રી નથી જ્યારે મોટા ભાગના લોકો 12 પાસ છે. આ સિવાય કેટલાક મુન્નાભાઇ તો એવા છે, જે માંડ દસ પાસ પણ નથી.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.