આતંકીઓના નિશાન પર હતા ગુજરાતના આ ચાર શહેરો, બ્લાસ્ટ માટે રેકી પણ કરી હતી
ISIS ના નિશાને ફરી ગુજરાત રાજ્ય છે. દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ પોતે ખુલાસો કર્યો
ગુજરાત ATSની એક ટીમ દિલ્હી પહોંચી છે. એક ACP અને એક PI સહિતની ટીમ દિલ્હી પહોંચી
ગરવી તાકાત, તા. 03 – ISIS ના નિશાને ફરી ગુજરાત રાજ્ય છે. દિલ્હીથી પકડાયેલા આતંકવાદીએ પોતે ખુલાસો કર્યો કે, તેઓ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગરમાં IED બ્લાસ્ટ કરવા માંગતા હતા. અયોધ્યાથી લઈ મુંબઈ સુધી તેમનું પ્લાનિંગ હતું. ISISના મોસ્ટ વોન્ટેડ આતંકીની દિલ્હીમાં ધરપકડ બાદ ખબર પડી કે ગુજરાતના વિવિધ શહેરો પણ આતંકીના નિશાના પર હતા. આતંકીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં હુમલા માટે રેકી પણ કરી હતી.
દિલ્હીમાં પકડાયેલા ISISના આતંકીઓનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ ATS સતર્ક થઈ છે. ગુજરાત ATSની એક ટીમ દિલ્હી પહોંચી છે. એક ACP અને એક PI સહિતની ટીમ દિલ્હી પહોંચી છે. ઝડપાયેલા આતંકીઓની ગુજરાત ATSની ટીમ પૂછપરછ પણ કરશે. મહત્વનું છે કે, આ આતંકીઓની અત્યાર સુધીની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે, ગુજરાતના મોટા શહેરોમાં નેતાઓની ગતિવિધિઓની આ આતંકીઓએ રેકી કરી હતી અને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના પ્રયાસમાં હતા.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જે ત્રણ આતંકીઓની ધરકડક કરી છે, તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. શહનવાઝ નામના આતંકીએ જણાવ્યું છે કે, તેણે અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, ગાંધીનગરમાં મોટા નેતાઓના રૂટની રેકી કરી હતી. જેનાથી IED બ્લાસ્ટ કરાવીને તેમની હત્યા કરાવી શકાય. આ આતંકીઓ અક્ષરધામ હુમલાના આરોપી ફરતુલ્લાહ ગોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતા. અને એમના આદેશ પર મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
ગુજરાતના અક્ષરધામ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ ફરહતુલ્લા ગોરી પાકિસ્તાનમાં બેઠો બેઠો આતંકી નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISISના જે ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે તેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ભારતમાંથી ફરાર થયા બાદ ગોરી પાકિસ્તાનમાં બેઠો છે અને ISISના નામ પર ભારતમાં નવ જવાનોને તૈયાર કરી રહ્યો છે. ફરહતુલ્લા ગોરીનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં તે જેહાદીઓને ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને પોલીસથી બચવાના નુસખાઓ જણાવી રહ્યો છે. વર્ષ 2002માં ગાંધીનગર અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલામાં ગોરી સામેલ હતો. 2002માં જ ગોરીએ હૈદરાબાદમાં એટીએસ ઓફિસમાં આત્માઘાતી હુમલો કરાવ્યો હતો. હૈદરાબાદમાં રહેતો ફરહતુલ્લા ગોરી ભારતથી ફરાર થઈને પાકિસ્તાનમાં છુપાયેલો છે. ભારતે ગોરીને આતંકી ઘોષિત કર્યો છે અને સતત તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ગોરી યુવાનોના મનમાં ઝેર ફેલાવી તેને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.