હાર્દિક પટેલે અન ઑફિશિયલ અને લલિત વસોયાએ ઑફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરી સરકારને સમર્થન આપ્યું.

જમ્મુ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ સાથે જ લદાખને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું જે રાજ્યસભામાં 125 સામે 61 વોટથી પસાર થયું છે. આ મામલે દેશભરમાં ઊજવણીનો માહોલ છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ઊજવણી થઈ રહી છે અને કોંગ્રેસના બે કદાવર પાટીદાર નેતાઓએ પક્ષથી વિરુદ્ધ જઈને આ બીલને સમર્થન કર્યુ છે.

કોંગ્રેસના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસને સમર્થન કરી દીધું છે. વસોયાએ પોતાના ઑફિશિયલ ફેસબુક પેજ પર અને હાર્દિક અનઓફિશિયલ પેજ પર પોતાના ફોટા સાથેની પોસ્ટ મૂકી અને ભારતની એકતા અને અખંડતાના મુદ્દે કેન્દ્રની એનડીએ સરકારે પસાર કરેલા વિધેયકનું સમર્થન કર્યુ છે.


વસોયાએ ફેસબુક પર પોસ્ટ મૂકી કે ‘કાશ્મીર મુદ્દે રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કરાયો છે તે બરાબર છે. મારૂ ભારત અખંડ ભારત’

જ્યારે હાર્દિક પટેલની અનઓફિશિયલ પ્રોફાઇલ પર પણ પોસ્ટ જોવા મળી છે જોકે, આ પેજ હાર્દિક પટેલ દ્વારા સંચાલિત છે કે નહીં તેની ખાત્રી થઈ શકી નથી પરંતુ હાર્દિકના ઑફિશિયલ બ્લૂ ટીકમાર્ક ધરાવતા પેજ પહેલાં આ પેજ પરથી જ પોસ્ટ મૂકવામાં આવતી હતી.

નોંધનીય છે કે પહેલાથી જ કયાસ લગાવવામાં આવતો હતો કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના ત્રણ ભાગમાં વહેંચવા જઈ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા હતા કે મોદી સરકાર જમ્મુ, કાશ્મીર અને લદાખ એમ ત્રણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી શકે છે. આના અંગે હવે નિર્ણય આવી ગયો છે અને મોદી સરકારે લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ પણ સમર્થન કર્યુ: સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા બીલને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ પણ સમર્થન કર્યુ હતું. કોંગ્રેસના હરિયાણાના સાંસદ દિપેન્દર સિંઘ હુડા અને મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિંદ દેવરાએ પણ આ બીલનું સમર્થન કર્યુ હતું. ગઈકાલે આમ આદમી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ આ બીલને ટેકો જાહેર કરી ચુકી છે.