ગરવી તાકાત અંબાજી : ગુજરાતમાં લિગ્નાઇટનું ખાણકામ કરતું ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) રાજ્યમાં વધુ છ સ્થળોએ લિગ્નાઇટનું માઇનિંગ કરીને તેની ક્ષમતામાં વધારો કરશે. આ બ્લોક્સમાં ઉત્પાદન શરૂ કરી રાજ્ય બહારના બજારની શોધ કરાશે.
— કંપનીએ ઉત્તર ગુજરાતમાં તેની અંબાજીની ખાણમાં નવા બેઝ મિનરલ્સની શોધ કરી છે જેમાં મોટા પ્રમાણમાં કોપર, સીસું અને જસતની સંભાવના છે.
— કંપનીએ આ જગ્યાએ ખનન કાર્ય શરૂ કરવાનું નક્કી કર્યું છે. ભૂગર્ભમાં કેટલો જથ્થો છે તેની તપાસ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
સરકારી કંપની હાલ લિગ્નાઇટ માઇનિંગમાં 85 ટકા કામગીરી ધરાવે છે અને ટૂંકસમયમાં વધુ છ સ્થળોએ માઇનિંગ શરૂ કરશે. જીએમડીસીને પહેલાથી પાનન્દ્રો એક્સટેન્શન અને ભરકંદમમાં લિગ્નાઇટ બ્લોક્સ ફાળવવામાં આવેલા છે જ્યારે અન્ય ચાર બ્લોક્સ માટે ભરૂચ જિલ્લાના વાલીયા અને દમકાઇ પડલ, સુરત જિલ્લામાં ઘાલા અને કચ્છના લખપતમાં અનામત રાખવામાં આવ્યા છે. આ બ્લોકમાં 500 મિલિયન મેટ્રીકટન કરતાં પણ વધુ જથ્થો હોવાનું અનુમાન છે.
કંપનીને છેલ્લા છ મહિનામાં ત્રણ બ્લોક માટે સરકાર તરફથી માઇનિંગ લીઝ માટેના ઇરાદાપત્રો આપવામાં આવેલા છે. આ સ્થળોએ ટૂંકસમયમાં માઇનિંગ શરૂ કરાશે. રાજ્યમાં સ્થાનિક માંગ પૂર્ણ કરી કંપની હવે લિગ્નાઇટના વધારાના જથ્થાનું વેચાણ કરવા ગુજરાત બહારના બજારો પર નજર દોડાવી રહી છે. જીએમડીસી 60 કરોડના સંયુક્ત રોકાણ સાથે કચ્છમાં ડ્રાય કોલ વોશરી અને ભાવનગરમાં મોડ્યુલર પાયરાઇટ રિમૂવલ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહી છે જે લિગ્નાઇટની ગુણવત્તામાં વધારો કરશે.