રાજકીય ચર્ચાથી કેટલાંક મંત્રીઓની પણ વોચ: કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ, બળવંતસિંહ, હળપતિ ‘મૂળ કોંગ્રેસી’ જ છે
કોંગ્રેસમાંથી આવીને પ્રધાનપદ મેળવનારા મંત્રીઓની ખુરશી જોખમમાં?
ગરવી તાકાત, ગાંધીનગર તા. 06 – લોકસભાની ચૂંટણી તૈયારીમાં રાજકીયપક્ષો વ્યસ્ત રહ્યા જ છે. તેની સાથો સાથ ભાજપ દ્વારા મોટાપાયે ભરતી મેળો શરુ કરવામાં આવતા રાજ્યના ચારેક પ્રધાનોના ‘જીવ ઉંચા’ થવા લાગ્યાની ચર્ચા જામી છે. પ્રધાનપદ-ખુરશી જવાની ચિંતા વચ્ચે બદલાતા રાજકીય સમીકરણો પર વોચ રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણીપૂર્વે કોંગ્રેસના મજબૂત નેતાઓને ખેડવીને ભાજપમાં સામેલ કરી દેવાનું રાજકીય ઓપરેશન શરુ કર્યું છે. એકાદ પખવાડિયા દરમ્યાન અડધો ડઝન જેટલા ભરતી મેળા યોજી દેવામાં આવ્યા છે. ભાજપમાં સામેલ થવા માટે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા, આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી વગેરેએ રાજીનામા આપી દીધા છે. આ સિવાય કેટલાક પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો ભાજપમાં જોડાઇ ગયા છે.
કોંગ્રેસના મજબૂત ગણાતા નેતાઓના ભાજપ પ્રદેશથી કેટલાંક વર્તમાન મંત્રીઓને ચિંતા થવા લાગી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ પ્રધાન પદ મેળવનારા આ નેતાઓને હવે એવો ડર સતાવવા લાગ્યો છે કે તેમની જેમ હવે ભાજપમાં આવતા શક્તિશાળી નેતાઓને પણ કેબીનેટમાં જગ્યા કરી દેવી પડશે અને તે સંજોગોમાં તેઓની ખુરશી જોખમમાં મુકાઇ શકે છે.
ભાજપના જ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છે કે રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા તથા કુંવરજી હળપતિ જેવા વર્તમાન સરકારના ચાર પ્રધાનો અગાઉ કોંગ્રેસમાં જ હતા. કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ પ્રધાનપદે આરૂઢ થયા હતા. તેઓની જેમ અન્ય કેટલાંક મજબૂત નેતાઓ પણ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે અને વ્હેલા મોડા તેઓને કેબીનેટમાં સ્થાન આપવાનું જરુરી બનશે તો સ્થિતિમાં અમુક વર્તમાન મંત્રીઓને કેબીનેટમાંથી વિદાય કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાશે.
લોકસભા ચૂંટણી પૂર્વેના ભરતીમેળા સાથે ખૂદ ભાજપમાં પણ છાનેખુણે ગણગણાટ રહ્યો જ છે. ભાજપ માટે રાજકીય ચિત્ર સારુ જ છે અને સમગ્ર રાજ્યમાં ક્યાંય પડકારજનક હાલત નથી જ્યારે કોંગ્રેસ નેતાઓને સામેલ કરવા પાછળના આશય વિશે ચર્ચા થઇ રહી છે. જો કે નેતાગીરી સમક્ષ કે ખુલ્લેઆમ બોલવાની કોઇની હિંમત નથી. ભાજપનો ઇરાદો મહત્તમ નેતા-આગેવાનો-કાર્યકરોને ખદેદવાનો છે અને ચૂંટણીમાં દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવવાનો ટારગેટ છે. આવનારા દિવસોમાં રાજકીય ઘટનાક્રમો સર્જાય છે તેના પર મીટ છે કારણ કે હજુ કોંગ્રેસના કેટલાંક મોટામાથા ખડવાના હોવાની ચર્ચા છે.