પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુરમાં એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા બે મકાનોના તાળા તોડીને તસ્કરોએ મકાનમાંથી રૂ.૩ લાખની મતાની ચોરી કરી પલાયન થઈ જતા આ બાબતે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે બન્ને બનાવો અંગે અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધીને પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.

પાલનપુરના ન્યુ સરદાર રેસીડન્ટમાં રહેતા વિનેશકુમારી યાદવ દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી છે કે તેમના મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી કોઈ અજાણ્યા ઈસમો તેમના ઘરમાં ઘૂસીને ઘરમાં રાખેલ બેગ કે જેમાં સોનાનું પેન્ડલ જેનું વજન આશરે પ ગ્રામ તથા સોનાની ચેન વજન આશરે ૧પ ગ્રામ તથા કાનમાં પહેરવાની બુટ્ટી ૩ જાડ જેનું કુલ વજન આશરે રર ગ્રામ તથા બે અંગુઠી જેનું વજન આશરે ૧૦ ગ્રામની મળી કુલ અલગ-અલગ દાગીના રૂ.૧.ર૦ લાખની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે અંગે ફરીયાદ નોંધાઈ છે. જ્યારે બીજા એક બનાવમાં પાલનપુર બી-ર૦૬ વિરસિટી એપાર્ટમેન્ટમાં રહેતા સૌનકભાઈ ઉર્ફે સમીર દવે કે જેઓ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ઘરનું કોઈ ચોર ઈસમે તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં તિજારીમાં પડેલ દાગીના સોનાની ચેન દોઢ તોલાની રૂ.૩૦ હજારની તથા બેડમાં રાખેલ રોકડ રકમ રૂ.૧.પ૦ લાખ મળી કુલ રૂ.૧.૮૦ લાખની મતાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ જતા બનાવ અંગે તેઓએ પણ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તેમની ફરીયાદ આધારે તપાસ હાથ ધરી છે. આમ, પાલનપુરમાં લૂંટ અને હત્યા તેમજ ઘરફોડ ચોરીઓના અનેક ગુનાઓ હજુસુધી વણઉકેલાયેલા છે ત્યાં વધુ બે ચોરીના બનાવો બનતા સવાલો ઉઠ્યા છે