હડતાલીયા કામદારોની જગ્યાએ નવા માણસો મુકવા જતા સંઘર્ષ થતા પોલીસ બોલાવવાની ફરજ પડી.
ગરવીતાકાત.પાલનપુર: પાલનપુર સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ નિતનવા વિવાદો સામે આવી રહ્યા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કામદારો ની હડતાળ બીજા દિવસે પણ જારી રહી છે. હડતાળીયા કામદારોની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા નવા માણસો મુકવા જતા સંઘર્ષ થવાની દહેશતને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.ત્યારે બીજા દિવસે સમાધાન દરમિયાન વાટાઘાટો પડી ભાંગતા હડતાળ યથાવત રહી છે.
પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ ખાનગી મૅનેજમૅન્ટના વહીવટને લઈ સીવીલ હોસ્પિટલ રોજ-બેરોજ વિવાદોમાં સપડાઈ રહી છે. જેમાં સીવીલમાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોને પૂરતું વેતન ચૂકવવા માં ના આવતા તેમજ યેનકેન પ્રકારે હેરાનગતિ અને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાની ધમકી આપવામાં આવતા 80 જેટલા કામદારોએ હડતાલનો માર્ગ અખત્યાર કર્યો છે. હડતાલીયા કામદારોએ  જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે. ત્યારે આજે બીજા દિવસે કોન્ટ્રાક્ટર દ્વારા નવા માણસોને ફરજ પર મુકવાનો પ્રયાસ કરતા હડતાલીયા કામદારોએ હોબાળો કરતા સંઘર્ષની સ્થિતિ ઉભી થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
દરમિયાન, આજે લેબર ઓફિસરની ઉપસ્થિતિમાં કોન્ટ્રાક્ટર અને સિવિલના મેનેજમેન્ટ સાથે હડતાલીયા કર્મચારીઓની સમાધાન માટે બેઠક યોજાઈ હતી. પરંતુ હાંકી કઢાયેલા કર્મચારીઓને પરત લેવાના મુદ્દે સમાધાન ન થતા હડતાળ યથાવત રહી છે. આમ, પાલનપુર સિવિલના કામદારોની હડતાળને પગલે સફાઈ સહિતની કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.
Contribute Your Support by Sharing this News: