રાજ્ય સરકારે પ્રથમવાર ૫૧ હજાર ઇનામ જાહેર કર્યું હતું
ગરવી તાકાત કડી:-મહેસાણાના કડીમાં ૧૭ વર્ષ પહેલાં થયેલી ૪ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ મહિલાએ પતિ સાથે મંદિરમાં લૂંટ કર્યા બાદ હત્યા કરી હતી અને ફ્રાર થઈ ગઈ હતી. એક વર્ષ પહેલાં તેના પતિની ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. આ દંપતી પોલીસથી બચવા એકબીજાથી દૂર રહેતા હોવાનો ખુલાસો થયો હતો. તે ૧૭ વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી મહિલા દિલ્હીમાં ખોટું નામ ધારણ કરીને રહેતી હતી છતાં ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી હતી.ક્રાઇમબ્રાંચના એસીપી ડીપી ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આરોપી રાજકુમારી ઉર્ફે ડિસ્કો યાદવે તેના પતિ સાથે મળીને ૨૦૦૪માં કડીના ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી મંદિરમાં ટ્રસ્ટી, સાધ્વી અને બે સેવકનું ગળું કાપી હત્યા કરી હતી. બાદમાં રૂ.૧૦ લાખના મુદ્દામાલની લૂંટ કરી ફ્રાર થઈ ગયા હતા. આ કેસમાં ગયા વર્ષે ગુજરાત ATSએ મહિલાના પતિ મહેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદસિંહ યાદવની ધરપકડ કરી હતી. જ્યારે મહિલા પતિની જેમ નામ બદલીને સરોજ નામથી દિલ્હીમાં રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી તેને પકડી પાડી છે.આરોપી દંપતી ૨૦૦૪માં હત્યા કર્યા બાદ ગુજરાત છોડી ભાગી ગયું હતું. બનાવના ૧૭ વર્ષ બાદ પોલીસને માહિતી મળી હતી કે, આરોપી દિલ્હીમાં વેશ બદલી રહે છે. રાજકુમારી ચાની દુકાન ચલાવે છે. જ્યારે પતિ કોન્ટ્રાક્ટર હતો. પોલીસની તપાસમાં ખૂલ્યું કે આ દંપતી ૨૦૦૪માં ગુજરાતમાં આવ્યા પછી પહેલાં વડોદરામાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી હતી.ત્યારબાદ કડીમાં અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, ઝાંસીના અલગ અલગ જગ્યાએ રોકાયા બાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ પોતાની પુત્રવધૂ સાથે બનાવના ૬ મહિના પહેલાં જ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા અને મંદિરમાં તેમની હત્યા થઈ હતી. આરોપીના પતિ વિરુદ્ધ MPમાં પણ બે કેસ નોંધાયેલા છે.આરોપી ગોવિંદ અને તેની પત્ની રાજકુમારી ગુજરાત પોલીસના ઈતિહાસના એવા સૌ પ્રથમ આરોપી હતા કે જેને પકડવા માટે ઈનામ જાહેર થયું હતું. આરોપીને પકડવા જે તે સમય સરકારે ૫૧ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.