ઊંઝા પોલીસ નકલી જીરૂના કારોબારીઓ સામે ગાંધી છાપ નોટોનો મૂઝરો કરી રહી હોવાની ચર્ચા તેજ
ઊંઝા શહેર સહિત પંથકમાં નકલી જીરૂ બનાવતાં વેપારીઓનો રાફડો હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક
ગરવી તાકાત, મહેસાણા તા. 29 –જીરૂ અને વરિયાળી હબ માટે ઊંઝા શહેર સમગ્ર એશિયામાં વિખ્યાત છે. ઊંઝા ખાતેથી જીરૂ અને વરિયાળીનો દેશ વિદેશમાં કરોડો રૂપિયાનો વેપાર ધમધમે છે. તો સાથે સાથે નકલી જીરૂ બનાવવાનો કરોડો રૂપિયાનો કાળો કારોબાર પણ ઊંઝા શહેર સહિત પંથકમાં બેરોકટોક ઊંઝા પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યો હોવાની પણ ચર્ચા તેજ બની છે. ઊંઝા શહેર સહિત પંથકમાં નિર્જન સ્થળો પર જીરૂ વરિયાળીની અનેક ફેકટરીઓ ધમધમી રહી છે જ્યાં કોઇની નજર પણ ન પહોંચે તેવા સ્થળો પર ફેકટરીઓ ગોડાઉન બનાવીને નકલી જીરૂ બનાવીને દેશવાસીઓના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતાં હોવા છતાં સ્થાનિક પોલીસતંત્ર જાણે મૂકપ્રેક્ષકની ભૂમિકા ભજવી રહી હોય તેવો ઘાટ ઘડાયેલો જોવા મળી રહ્યો છે.
ઊંઝા શહેર સહિત પંથકમાં ક્યાં ક્યાં જીરૂમાં વરિયાળી તથા અન્ય કેમિકલ મિક્સ કરી નકલી જીરૂ બનાવવામાં આવી રહ્યું છે તેનાથી ઊંઝા પોલીસ અજાણ હોય તે વાતમાં માલ નથી. તો શું નકલી જીરૂ બનાવતા ફેકટરીના માલિકો પાસે હપ્તાખોરીના નેટવર્ક થકી શું સુવાળા સંબંધો ધરાવે છે આવા અનેક સવાલોના ઘેરામાં ઊંઝા પોલીસ ઘેરાઇ રહી છે. નકલી જીરૂની ફેકટરીઓ પર ઊંંઝા પોલીસ કેમ તવાઇ હાથ ધરતી નથી. છેક ગાંધીનગરની ટીમો ઊંઝામાં નકલી જીરૂની ફેકટરીઓના પર્દાફાશ કરી રહી છે પરંતુ ઊંઝા પોલીસ હાથ પર હાથ ધરી આવા ફેકટરીઓના માલિકો પર આર્શિવાદ વરસાદી રહી છે કે શું?
નકલી જીરૂ બનાવવાના લાખો કરોડો રૂપિયાના ઊંઝા પંથકમાં ચાલતા કાળા કારોબારનો અનેક વખત પર્દાફાશ થયેલો છે અને અનેકો વખત લાખો રૂપિયાનો નકલી જીરૂનો જથ્થો સીઝ કરવામાં આવ્યોં છે. તેમ છતાં નકલી જીરૂનો વેપલો કરતો વેપારીઓ કાળી કમાણીથી રૂપિયા કમાવવામાંથી બાજ આવતાં નથી. તો આ નકલી જીરૂના કારોબારીઓને કોની છત્રછાયા તળે બેફામ બની લાખો કરોડોનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે છતાં સ્થાનિક પોલીસ તંત્ર આવા વેપારીઓને કેમ છાવરી રહ્યું છે. શું ઊંઝા પોલીસની ભાઇબંધી નકલી જીરૂના ધંધાર્થીઓ માટે સોનાની લગડી સાબિત થઇ રહી છે કે શું ? તેવા અનેક સવાલો સ્થાનિક જનતા જર્નાદનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક વખત દરોડા પાડીને નકલી જીરૂ બનાવતી ફેકટરીઓમાંથી અનેક વખત મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યોં છે. તો બીજી તરફ ગાંધીનગરની ટીમ દ્વારા પણ અનેક વખત નકલી જીરૂના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યોં છે. તો પછી ગેરકાયદેસર પ્રવૃતિ આચરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતાં આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં ઊંઝા પોલીસ તંત્ર કેમ કુણુ વલણ અપનાવી રહ્યું છે તેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યાં છે. ત્યારે ઊંઝા શહેર સહિત પંથકમાં વિજિલન્સની ટીમ ગમે તે સમયે તાંડવ મચાવશે.