ગણેશજીને ગાર્ડ ઓફ ઓર્નર આપવાની આ પરંપરા ગાયકવાડી સમયથી ચાલી આવે છે
ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા વર્ષ 1921થી ચાલી આવી રહી છે.
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – આજથી ગણેશચતુર્થી મહોત્સવનો પ્રારંભ થયો હતો જેને પગલે શેરી, મહોલ્લા, સોસાયટી સહિત પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાની વિધિવત સ્થાપના કરી હતી. ગણેશચતુર્થી મહોત્સવ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ભક્તોએ ગણેશજીની સ્થાપના ઢોલ નગારા તથા ડીજેના તાલ સાથે બાપા મોરયાના નારા સાથે બિરાજમાન કર્યા હતા. ત્યારે મહેસાણા ફુવારા બજાર વિસ્તારમાં આવેલા જમણી સૂંઢવાળા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.
જેમાં પરંપરાગત રીતે ગણેશજીની પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું હતું. ગણેશજીને ગાર્ડ ઓફ ઓર્નર આપવાની આ પરંપરા ગાયકવાડી સમયથી ચાલી આવે છે. જે પરંપરાને આજે પણ અકબંધ રાખવામાં આવી છે. અત્રે મહ્ત્વની બાબત છે કે મોટાભાગના તમામ મંદિરોમાં ગણેશજીની પ્રતિમા જમણી સૂંઢવાળી હોય છે પરંતુ મહેસાણાના ફુવારા વિસ્તારમાં આવેલા આ ગણેશજીના મંદિરમાં પ્રતિમા જમણી સૂંઢવાળી છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે પણ મહિલા પોલીસકર્મીઓ દ્વારા ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા વર્ષ 1921થી ચાલી આવી રહી છે. એ સમય ગાળા દરમિયાન મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવી બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. મંદિરના પૂજારીના જણાવ્યાં પ્રમાણે 1911માં અહીંયા નિરંજન દાસ ગુરુએ જમીન ખરીદી હતી અને 1917માં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ પરંપરા યથાવત છે.