સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ અને કાયદા મંત્રીને પદ પરથી હટાવવાની અરજી ફગાવી

શેર કરવા અહીં ક્લિક કરો.

— બોમ્બે હાઈકોર્ટે પણ અરજી ફગાવી હતી :

— સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો :

ગરવી તાકાત મહેસાણા : સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ વિરુદ્ધની અરજી ફગાવી દીધી. બોમ્બે લોયર્સ એસોસિએશન નામની સંસ્થાએ કહ્યું કે, બંનેએ સુપ્રીમ કોર્ટના સન્માન વિરુદ્ધ નિવેદનો આપ્યા તેથી તેઓ બંધારણીય પદ પર રહેવા માટે યોગ્ય નથી. અગાઉ બોમ્બે હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સોમવાર 15મી મેએ કહ્યું કે, હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લીધો. તમારે અહીં અપીલ દાખલ કરવાની કોઈ જરૂર નહોતી.

બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી તેમના અધ્યક્ષ અહમદ આબ્દીની અરજીમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને રિજિજૂના કેટલાક નિવેદનનો ઉલ્લેખ કરાયો હતો. અરજદારનું કહેવું હતું કે, રિજિજૂએ જજોની નિમણૂક કરવાની કોલેજિયમ વ્યવસ્થા અંગે સતત નિવેદનો કર્યા છે. કોલેજિયમના સભ્યો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ હોય છે, તેથી તેમના પર અવિશ્વાસ રાખી કાયદા મંત્રીએ લોકોની નજરમાં સુપ્રીમ કોર્ટનું સન્માન નીચે પાડવાના પ્રયાસો કર્યા છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (NJAC) કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો… સંસદમાં પસાર કરાયેલા કાયદાને રદ કરવાને સંસદની સ્વાયત્તતાનું ઉલ્લંઘન ગણાવ્યું… તેમણે 1973નાં ઐતિહાસિક ‘કેશવાનંદ ભારતી’ ચુકાદા દ્વારા સ્થાપિત ‘બેસિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રિન’ એટલે કે ‘મૂળભૂત માળખું સિદ્ધાંત’ને પણ ખોટો કહ્યો… આવા પ્રકારનું નિવેદન કરીને તેમણે બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા વિરુદ્ધ કામ કર્યું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.