વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તે માટે ક્લાસીસ ફરીથી ચાલુ કરવા માટે માંગ કરાઇ

સુરતમાં અગ્નિકાંડ બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસીસ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ લાદી દઈ ટ્યુશન ક્લાસ બંધ કરાવી દીધા છે. જેને પગલે આજે પાલનપુરમાં ક્લાસીસ ચલાવતા સંચાલકો અને વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી બહાર ધામા નાખ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ તેઓનું ભાવિ ન બગડે તે માટે તાકીદે ક્લાસીસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સુરતમાં બિલ્ડિંગમાં આગ લાગતા  અહીં ચાલી રહેલા ફેશન ડિઝાઇનરના ક્લાસીસમાં આવેલા વિદ્યાર્થીઓ આગથી બચવા બિલ્ડિંગના ચોથા માળથી કૂદીને જીવ બચાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ વીસથી વધુ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. સુરતના આગની કાંડ બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલતા ટ્યૂશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનો સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ૨૩ જૂન સુધી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારે હવે પાલનપુરમાં ક્લાસિસ ચલાવતા સંચાલકો અને વિદ્યાર્થીઓ પણ તેમની સાથે કલેક્ટર કચેરી બહાર ધામા નાખી ક્લાસિસ શરૂ કરવા માંગ કરી રહ્યા છે. આ બાબતે કોચિંગ ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું કે એનઓસી વિના ટ્યુશન ક્લાસીસ શરૂ કરવામાં તંત્ર આનાકાની કરી રહ્યું છે. બીજી તરફ નગરપાલિકા દ્વારા એનઓસી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. તેઓએ પોતાના ક્લાસીસમાં તંત્રના જણાવ્યા મુજબ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લીધા છે ત્યારે હવે વિદ્યાર્થીઓનું ભાવી બગડતુ હોય તંત્રએ આ બાબતે વિચારવું જોઈએ. આ બાબતે વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું હતું કે સુરતમાં લાગેલી આગ તો શમી ગઈ છે પરંતુ વિદ્યાર્થીઓના ભાવિ પર લાગેલી આગ તંત્ર બુઝાવે..કારણ કે આગામી એકાદ બે માસમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે અને એકાએક ક્લાસીસ બંધ થઈ જતાં વિદ્યાર્થીઓની તૈયારી પર તેની અસર વર્તાઇ રહી છે. ત્યારે આ બાબતે તંત્રએ ગંભીર નોંધ લઇ તાકીદે કોચિંગ ક્લાસિસ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બાબતે કોચિંગ ક્લાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુરના ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે ગંભીર નોંધ લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને ક્લાસિસ શરૂ કરાવવામા પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

Contribute Your Support by Sharing this News: