મહેસાણાના તોરણવાળી ચોકમાંથી મોટર સાયકલ ચોરી કરનાર વાહનચોર મહેસાણા એસઓજીના સકંજામાં
મહેસાણાથી નંબર પ્લેટ વિનાનું બાઇક લઇ ગોઝારીયા જતો હોવાની મળેલી બાતમીના આધારે શખ્સને ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા – (Sohan Thakor) – મહેસાણા એસઓજીની ટીમ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન મહેસાણા તોરણવાળી ચોકમાંથી ચોરી કરેલું નંબર પ્લેટ વિનાનું સ્પેલેન્ડર મોટર સાયકલ લઇ મહેસાણાથી ગોઝારીયા તરફ જતાં શખ્સને મહેસાણા એસઓજીની ટીમે ચોરીના મોટર સાયકલ સાથે દબોચી લીધો હતો.
મહેસાણામાં રોજબરોજ વાહનચોરીના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યાં છે ત્યારે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી ગુના ડિટેકટ કરવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ એસઓજી પીએસઆઇ વી.એ.સિસોદીયા, હેકો. મહેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, પોકો. જયેશકુમાર, જયદેવસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માનવ આશ્રમ સર્કલ પહોંચતાં જયેશભાઇ તથા જયદેવસિંહને ખાનગી બાતમી મળી હતી કે
એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ હીરો હોન્ડા સ્પેલેન્ડર નંબર પ્લેટ વગરનું લઇને મહેસાણાથી ગોઝારીયા તરફ જનાર છે જેથી એસઓજીની ટીમે આ રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વિનાના સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને શખ્સ આવતાં તેને કોર્ડન કરી અટકાવી નામ ઠામ પુછતાં મોટર સાયકલ ચાલક પોતે ઠાકોર ધનાજી લીલાજી રહે. માંકણજ તા. જોટાણાવાળા હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોટર સાયકલ બાબતે પુછતાછ કરતાં મહેસાણા શહેર ખાતે તોરણવાળી ચોક મેઘરજ કોમ્પ્લેક્સ પાસેથી આ મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરતાં એસઓજીએ બાઇક ચોર ઇસમને ઝડપી એ ડિવિઝન પોલીસને સોંપ્યોં હતો.