શંભુ બોર્ડર પાસે ખેડૂતોએ બેરીકેડ તોડી: આગળ વધવા પોલીસ વાહનોને પણ નિશાન બનાવ્યા: દિલ્હીમાં તકેદારી શરૂ: બે મેટ્રો સ્ટેશન બંધ
ટેકાના ભાવ સહિતના મુદે દિલ્હી કૂચમાં હવે ખેડૂતોને રોકવા બળપ્રયોગ
નવી દિલ્હી,તા.13 – ટેકાના ભાવને કાનૂની પીઠબળ આપવા સહિતની માંગણીઓ સાથે આજે દિલ્હી કૂચ કરી રહેલા ખેડુતોને આગળ વધતા અટકાવવા હવે પ્રથમ વખત આંદોલનકારીઓ પર બળપ્રયોગ કરવામાં આવે તેવી શકયતા છે અને પોલીસે હરિયાણાની શંભુ બોર્ડર પર પહોંચેલા હજારો ખેડુતો પર ટિયરગેસ છોડતા જ જબરો તનાવ વ્યાપી ગયો છે અને હાલ ખેડૂતો બેરીકેડ તોડીને આગળ વધી રહ્યા છે. પંજાબના ફતેહગઢથી સાહીબથી નીકળેલા ખેડુતો પર હરિયાણા પોલીસે અશ્રુવાયુ છોડયો હતો જેના કારણે તનાવ વધી ગયો છે. ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરના જણાવ્યા મુજબ સરકાર અમારી સાથે દુશ્મનો જેવો વ્યવહાર કરી રહી છે.
ખેડૂત આંદોલનના કારણે દિલ્હીમાં પણ જબરો તનાવ છે અને તકેદારી રૂપે બે મેટ્રો સ્ટેશનો તાત્કાલીક બંધ કર્યા છે અને અનેક માર્ગો પર ટ્રાફીક રોકી દીધો છે. પંજાબ બોર્ડર પરથી નીકળેલા ખેડુતોને અટકાવવા હરિયાણા પોલીસે પંદર જીલ્લાઓમાં ટ્રેકટર ટ્રોલી સહિતના કૃષિ વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકી દીધો છે અને દિલ્હીમાં ખેડુતો પહોંચે નહી તે માટે પાટનગરની આસપાસ પણ જબરો બંદોબસ્ત લાદી દેવાયો છે.
અમિત શાહના ગુજરાત કાર્યક્રમો રદ: તાકિદે દિલ્હી જવા રવાના
દિલ્હીમાં ખેડૂત આંદોલન વેગવંતુ બનતા જ હવે કેન્દ્ર સરકાર માટે નિર્ણાયક ઘડી આવી ગઈ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તેમનો ગુજરાત પ્રવાસ ટુંકાવીને તાત્કાલીક દિલ્હી જવા રવાના થયા છે. શ્રી શાહ આજે તેમના મતવિસ્તારમાં અનેક મહત્વપૂર્ણ લોકાર્પણમાં હાજરી આપવાના હતા પરંતુ અચાનક જ તેઓએ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને હવે તેઓ દિલ્હી જવા રવાના થયા છે.