— બજેટને લઈ યોજાયેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના ચેરમેનોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વિરોધ નોંધાવ્યો હતો?
— તોફાની બનેલી સામાન્ય સભામાં શાસકપક્ષે બજેટ મંજૂર કરતા કોર્ટમાં જવાની વિપક્ષની ચિમકી: ભાજપના નેતાઓમાં દોડધામ
— પ્રમુખની કાર્યશૈલીથી ભાજપના સભ્યો નારાજ
ગરવી તાકાત મેહસાણા: ઊંઝા પાલિકાની બજેટને લઈ ગુરુવારે પાલિકાના સભાખંડમાં સભા યોજાઈ હતી. બજેટ સભામાં સત્તાધારી પક્ષના વિવિધ કમિટીના ચેરમેનોએ વિરોધ દર્શાવી ભ્રષ્ટાચારના આક્ષેપો કરાતાં નગરપાલિકામાં ભડકો થયો હતો. તો બીજી તરફ વિપક્ષના કોર્પોરેટરો વિરોધ નોંધાવી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા. આ સભામાં બજેટ બેઠકમાં સત્તા પક્ષના જ ચાર કમિટીઓના ચેરમેનોએ રાજીનામા આપતા હોબાળો થયો હતો.
ઊંઝા નગરપાલિકાની જનરલ સભામાં ભાજપના જ ચાર કોર્પોરેટર તરીકે વરણી પામેલ વિવિધ કમિટીઓના ચાર ચેરમેન દ્વારે ગઈકાલે ઊંઝા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રાજીનામું આપ્યુ છે. ઊંઝા નગરપાલિકાના કાયદા કમિટીના ચેરમેન કામિની મહેન્દ્રભાઈ સોલંકી તેમજ નાણાં કમિટીના ચેરમેન તરલાબેન ભરતભાઇ મેવાડા અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન રાવલ કૃપાબેન જયકુમાર, આરોગ્ય કમિટીના ચેરમેન નયનાબેન ગુણવંતભાઈ પટેલે રાજીનામું આપતાં પાલિકાનું રાજકારણ ગરમાયું છે.
ચીફ ઓફિસર રવિકાન્ત પટેલને બજેટ મંજૂર થયું કે નામંજૂર તે બાબતે પુછતા તેમણે જણાવ્યું હતું કે, બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટ મંજૂર કરાયું ત્યારે 16 સભ્યો હાજર હતા. બાકીના સભ્યોએ વોકાઉટ કર્યું હતું. જેથી 16 સભ્યો હાજર હતા બાકીના સભ્યોએ વોકાઉટ કર્યું હતું.
આમ 16 સભ્યોની બહુમતીથી બજેટ મંજૂર કરેલ છે. હોદ્દેદારોના રાજીનામા બાબતે પૂછતા કહ્યું હતું કે, અમારી પાસે કોઈ રાજીનામા આવ્યા નથી. 3 કરોડ 36 લાખ પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
— આમના રાજીનામા:
1. કાયદા કમિટીના ચેરમેન — કામિની મહેન્દ્રભાઈ સોલંકી
2.નાણાં કમિટીના ચેરમેન — તરલાબેન ભરતભાઇ મેવાડા
3.સાંસ્કૃતિક કમિટીના ચેરમેન — રાવલ કૃપાબેન જયકુમાર
4.આરોગ્ય કમિટીના ચેરમેન — નયનાબેન ગુણવંતભાઈ પટેલ
પક્ષ કહેશે તે પ્રમાણે નિર્ણય કરાશે : નગરપાલિકા પ્રમુખ:
પાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, આજરોજ ઉઝા નગરપાલિકામાં બજેટ રજૂ કરવામાં આવ્યું. વિરોધ પક્ષના સભ્યો વંચાણ દરમિયાન ચાલ્યા ગયા હતા. ત્યારબાદ 3, 36,24,425 રૂપિયાની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું. હાજર સભ્યોની સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું. સભ્યોએ ચેરમેનપદેથી રાજીનામા આપ્યા તે બાબતે પુછતા જણાવ્યું હતું કે, જે રાજીનામા આપ્યા છે તે મારા સુધી આવ્યા નથી. મારા સુધી આવશે પછી હું પક્ષમાં તેની જાણ કરીશ. પક્ષ કહેશે તે પ્રમાણે નિર્ણય કરાશે.
— સરદાર, ગાંધીના ગુજરાતમાં મનમાની નહીં ચાલે : વિપક્ષ કોર્પોરેટર:
ઊંઝા નગરપાલિકાના વિપક્ષ કોર્પોરેટર ભાવેશભાઈ પટેલે આ બાબતે જણાવ્યું કે, આજની સભા દરમિયાન કોઈ વોકાઉટ કરેલ નથી. 20 સભ્યોની બહુમતી સાથે બજેટ નામંજૂર થયેલ છે. તો 16 સભ્યોથી બજેટ કેવી રીતે મંજૂર થાય તેવા સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના જ ચાર ચેરમેનોએ ચેરમેનના હોદ્દા ઉપરથી રાજીનામુ આપેલ છે. આજનું ભાજપ શાસિત પાલિકાનું બજેટ નામંજૂર છે. સરમુખત્યારશાહી શાસન નહીં ચલાવી લેવામાં આવે. સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ મનમાની નહીં ચાલે.