ગરવી તાકાત મહેસાણા: મહેસાણા શહેરને અડીને આવેલા તળેટી ગામના લોકો રેલવે કોરીડોરમાં નાળા નં. 112ની સામે લાઇનમાં બીજા નવા નાળા બનાવવાની કવાયત હાથ ધરાતાં ભડક્યા હતા. જો તેમ થાય તો મોટા વાહનો માટે આવન જાવનનો રસ્તો બંધ થઇ જવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ સોમવારે કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા અને ત્રણ સળંગ નાળાની જગ્યાએ ડિઝાઇનમાં ફેરફાર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.તળેટીથી બાયપાસ ફતેપુરા સર્કલ તરફ જતા રસ્તામાં રેલવે કોરીડોર પર તંત્રએ નાળાં બનાવ્યા છે.
હાલમાં સાંકડા નાળામાં ભારે વાહનો પસાર થઇ શકતા નથી, ત્યાં સળંગ વધુ ત્રણ નાળા બનાવવામાં આવનાર હોઇ ગ્રામજનો ચિંતામાં મૂકાયા હતા. જો સળંગ નાળા કરાય તો ગ્રામજનોને આવન જાવનમાં મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. મોટા સાધનો નીકળી શકે ન હોઇ સરપંચ મુકેશભાઇ સહિત ગ્રામજનોએ સોમવારે અધિક નિવાસી કલેક્ટર, ડીએસીસી આઇએલ રેલવેના ચીફ જનરલ મેનેજર, બે સાંસદને રજૂઆત કરાઇ હતી.
— તો 5 કિમી અંતર વધુ કાપવું પડે
કોરીડોરમાં તળેટી સાઇડ હજુ વધુ બે નાળા બનાવવાની હિલચાલ છે. ત્રણ સળંગ બનાવાય તો મોટા વાહનના આવન જાવન માટે ગ્રામજનોએ વાયા સોમનાથ રોડ થઇ ફતેપુરા સર્કલ જવામાં 5 િકમી અંતર કાપવું પડે. હાલ એક કિમીમાં ફતેપુરા હાઇવે નીકળાય છે. નવા નાળા સળંગના બદલે ત્રાંસી લાઇનની ડિઝાઇનમાં કે પછી જગ્યા સંપાદિત કરીને કરાય તો જ ગ્રામજનો માટે મોટા વાહનનો રસ્તો રહે તેમ ગ્રામજનોનું કહેવું છે.