અમિત શાહને ગાંધીનગરની સીટ જીતાડવાની જવાબદારી લેનારને જીત પહેલાં જ ઈનામ મળી ગયું
મયંક નાયક ભાજપમાંથી રાજ્યસભાનો સાંસદ બની જતાં લાખવડમાં પણ ખુશીનો માહોલ
સંગઠનના દરેક કાર્યક્રમમાં હાજર રહેતા મયંક નાયકને પણ વિશ્વાસ નહોતો કે ભાજપ એમનું આ પ્રકારે બહુમાન કરશે
ગરવી તાકાત, મહેસાણા તા. 15 – અમિત શાહને ગાંધીનગરની સીટ જીતાડવાની જવાબદારી લેનારને જીત પહેલાં જ ઈનામ મળી ગયું છે. એમના માટે દિલ્હીનો દરવાજો ખૂલી ગયો છે. હવે તેઓ અપરહાઉસમાં બેસશે અને 6 વર્ષ સુધી મનભેર રાજ્યસભના સાંસદનું પદ ભોગવશે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ મયંક નાયકની.. જેઓ ચૂંટણી લડ્યા વિના સાંસદ બની જશે અને દિલ્હી પહોંચી જશે. ઘણાને આ નામથી આશ્વર્ય થયું છે. એક સમયે રિક્ષા ચલાવનાર આજે રાજ્યસભાના સાંસદ બની જશે. સંગઠન સાથે સંકળાયેલા લોકો માટે મયંક નાયક એ અજાણ્યું નામ નથી. મહેસાણાના લાખવડ ગામનો એક છોકરો આજે ભાજપમાંથી રાજ્યસભાનો સાંસદ બની જતાં લાખવડમાં પણ ખુશીનો માહોલ છે.
મહેસાણાના સ્થાનિક રાજકારણથી કક્કો શીખનાર આજે દેશના ગૃહમંત્રી અમિત શાહની સીટ ગાંધીનગરના પ્રભારી છે. મયંક નાયકે અમિત શાહનો જીતેલો વિશ્વાસ એ રાજ્યસભાના સાંસદની લોટરી લઈને આવ્યો છે. સંગઠનના દરેક કાર્યક્રમમાં હાજર રહેતા મયંક નાયકને પણ વિશ્વાસ નહોતો કે ભાજપ એમનું આ પ્રકારે બહુમાન કરશે.
મહેસાણાથી લાખવડની પેસેન્જર રીક્ષા ચલાવી – મયંક નાયકની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે થઈ છે. મયંક નાયકની જાહેરાત થતા જ મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદગી થતા પરિવારજનોએ કહ્યું કે, નાયક સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો. તમને જણાવી દઈએ કે, મયંક નાયકે એક સમયે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેસાણાથી લાખવડની પેસેન્જર રીક્ષા પણ ચલાવી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પૂરતા પગારની નોકરી ન મળતા મયંક નાયકે ત્રણ વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી હતી. હવે મયંક નાયક રાજ્યસભામાં સાંસદ બની જશે. મયંક નાયકને મંડળથી લઈને પ્રદેશ સ્તર સુધીનો અનુભવ છે અને મહેસાણા ભાજપના અગ્રણી નેતા પણ છે.