અંબાજી મંદિરમાં વિવાદાસ્પદ નકલી ઘી સપ્લાય કરનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત
જતીન શાહે કેમ કર્યો આપઘાત તેનું કારણ હાલ અકબંધ પોલીસ તપાસમાં મામલો બહાર આવવાની શક્યતાં
ગરવી તાકાત, અમદાવાદ તા. 07 – યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. નકલી ઘીનો મુદ્દો સામે આવતા સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થઈ ગયો હતો. અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી અમદાવાદથી મોકલવામાં આવ્યું હતું. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે નકલી ઘી મોકલનાર વેપારીએ આપઘાત કરી લીધો છે.
અમદાવાદમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે. નારોલ વિસ્તારમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં જતીન શાહે આપઘાત કર્યો છે. આ જતીન શાહ અંબાજી મંદિર પ્રસાદના નકલી ઘી કેસમાં આરોપી છે. જતીન શાહની પેઢીમાંથી નકલી ઘી મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં જતીન શાહની ધરપકડ પણ કરી હતી. નીકલંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.