મહેસાણા-1ના મુસાફરો માટે તોરણવાળી બજાર તરફ એન્ટ્રી, બુકિંગ, વેઇટિંગરૂમ, બ્રિજ, પાર્કિંગ સહિતની સુવિધા કરાશે
મહેસાણા-2માં નવું રેલવે સ્ટેશન બનાવાતાં મહેસાણા 1માં રેલવે સ્ટેશન સામે આવેલ દુકાનો, રેસ્ટોરેન્ટ, ગેસ્ટહાઉસની રોનક છીનવાઇ હતી
અગાઉ જુના રેલવે સ્ટેશનને પગલે સ્ટેશનની બહાર મેળાવડો જામતો હતો જે ફરીથી ધમધમી ઉઠશે
ગરવી તાકાત, મહેસાણા તા. 21 – મહેસાણા સિટી-2માં પશ્ચિમ તરફ નવું રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંતર્ગત સિટી-1ના યાત્રિકો માટે પણ જૂના રેલવે સ્ટેશનની જગ્યામાં જ અંદાજે રૂ.26 કરોડના ખર્ચે સ્ટેશનનો વિકાસ કરાશે. જેમાં તોરણવાળી બજાર તરફ એન્ટ્રી, બુકિંગ, વેઇટિંગરૂમ, પ્લાઝા, બ્રિજ, પાર્કિંગ, ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરાશે. આગામી 26 તારીખે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં તેનું ખાતમુહૂર્ત કરાશે. ઉલ્લેખનિય છે કે, અમૃત ભારત સ્ટેશન યોજનામાં મહેસાણા ઉપરાંત ઊંઝા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરાયો છે.
પશ્ચિમ તરફ સિટી-2માં નવીન રેલ્વે સ્ટેશન બનાવ્યા બાદ સિટી-1માં પૂર્વ તરફના મુસાફરોને ટિકિટ લેવાથી માંડી નવા સ્ટેશનના પ્લેટફોર્મ પર આવવા સહિતની તકલીફોનો સામનો કરવો પડતો હતો. જેને પગલે સિટી-1ના મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંતર્ગત દેશના 550 રેલ્વે સ્ટેશનની સાથે મહેસાણામાં જૂના રેલ્વે સ્ટેશનની જગ્યાએ પણ નવીન રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે.
અંદાજે રૂ.26 કરોડના ખર્ચે તૈયાર થનારા આ નવીન રેલ્વે સ્ટેશનમાં પ્રવેશવાનો અને બહાર જવા આકર્ષક પ્રવેશદ્વારથી લઇ ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરાશે. અન્ય રેલ્વે સ્ટેશનની સાથે 26 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાનાર છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાની શક્યતા રેલ્વે તંત્રએ વ્યક્ત કરી છે. 26મીએ પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ખાતમુહૂર્ત કરાશે