-> જનસેવા કેન્દ્રમાં 7/12, 8અના ઉતારા, જાતિના દાખલા, રેશનકાર્ડ,, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ મહેસાણા તાલુકાના લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે :
-> જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિએ મામલતદાર કચેરી ખાતે આવેલ અરજદારો સાથે પૃચ્છા કરી કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે પ્રજાપતિના હસ્તે અને અગ્રણી ગીરીશભાઈ રાજગોરની ઉપસ્થિતિમાં નવીન જનસેવા કેન્દ્ર (એટીવીટી સેન્ટર)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ એટીવીટી સેન્ટરની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી નવીન જનસેવા કેન્દ્ર બનવાથી લોકોને વિવિધ સેવાઓ સરળતાથી મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મહેસાણા મામલતદાર કચેરી ખાતે હાલ જનસેવા કેન્દ્ર એટીવીટી સેન્ટર કાર્યરત છે પરંતુ મહેસાણા તાલુકાના વિસ્તારને તેમજ અરજદારોના ધસારાને ધ્યાને લઈ અંદાજિત રૂપિયા 35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર (એટીવીટી સેન્ટર) તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7/12,8 અના ઉતારા જાતિના દાખલા, રેશનકાર્ડ,, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ મહેસાણા તાલુકાના લોકોને સરળતાથી ઉપલબ્ધ થશે.

આ તકે જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિએ મામલતદાર કચેરી ખાતે આવેલ અરજદારો સાથે પૃચ્છા કરી કચેરીમાં અપાતી વિવિધ સેવાઓની જાત ચકાસણી કરી વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ અરજદારોને સરળતાથી મળી રહે તે માટે સુચના આપી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર જશવંત કે. જેગોડા મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વીશ વાણંદ, મહેસાણા મામલતદાર ગૌતમ વાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



