ભારતમાં એક કમનસીબી છે કે આપણે હજુ પણ જ્ઞાતિ-જાતિ અને સમાજના વાડામાં બંધાયેલા છીએ. આ મારા સમાજનો નેતા છે, આ મારી જ્ઞાતિનો ઉમેદવાર છે. કોઈ સમાજથી ઉપર દેશ કે રાષ્ટ્રનું નથી વિચારતું
ગરવી તાકાત, રાજકોટ તા. 04 – રાજકોટમાં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસ રંગ લાવી રહ્યો છે. ક્ષત્રિય આંદોલનના કારણે આ બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉતારતા હવે આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. રાજકોટમાં બન્ને ઉમેદવાર પાટીદાર છે, પરંતુ જેની સૌથી વધુ મત છે તે લેઉવા પાટીદારના પરેશ ધાનાણીને કોંગ્રેસે જ્યારે કડવા પાટીદાર રૂપાાલાને ભાજપે ટિકિટ આપી છે. સમાજના નામે મત માંગવા વાયરલ કરાયેલી એક પત્રિકા મામલે 4 યુવકની ધરપકડ કરવામાં આવી. તો કોંગ્રેસ લાલચોળ થઈ ગઈ. વાંચો પાટીદાર પત્રિકા પર થયેલા વિવાદનો આ અહેવાલ.
રાજકોટમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ત્યારે ચૂંટણીને બે સમાજ વચ્ચેની લડાઈ બનાવી દેવાનો પ્રયાસ કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવ્યો. એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે. જેમાં લખાયું હતું કે, 20 વર્ષ પછી રાજકોટમાં લેઉવા પાટીદારના આંગણે પ્રસંગ આવ્યો છે. રાત દિવસ એટલા આમંત્રણ આપજો કે, 7 તારીખે પ્રસંગના દિવસે માણસો ન ઘટવા જોઈએ. પત્રિકામાં કોઈને સીધુ સમર્થન કે વિરોધ નથી કરાયો. પરંતુ લેઉવા પાટીદાર લખીને આડકરતી રીતે કોંગ્રેસને સપોર્ટ કરાયો છે.
આ પત્રિકાઓ વાયરલ થયા બાદ ભાજપના નેતા મહેશ પીપરિયાની ફરિયાદ બાદ 4 યુવક સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ચારેની ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. તો આ મામલે ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ કર્યા હતા. તો કાયદાએ કાયદાનું કામ કર્યું પરંતુ કોંગ્રેસે તેને સમાજ સાથે જોડીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કર્યો.
ભારતમાં એક કમનસીબી છે કે આપણે હજુ પણ જ્ઞાતિ-જાતિ અને સમાજના વાડામાં બંધાયેલા છીએ. આ મારા સમાજનો નેતા છે, આ મારી જ્ઞાતિનો ઉમેદવાર છે. કોઈ સમાજથી ઉપર દેશ કે રાષ્ટ્રનું નથી વિચારતું. ગુજરાતમાં ઘણા સમાજે છેલ્લા કેટલાક સમયથી એ સાબિત કરી દીધું છે કે રાષ્ટ્ર કરતાં પહેલા સમાજ અને જ્ઞાતિ હોય છે. જેમાં વધુ એક ઉમેરો રાજકોટમાં વાયરલ થયેલા આ પોસ્ટરોએ કર્યો છે. જોવું રહ્યું કે, આગળ શું થાય છે.