વર્ષ 2010 આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની સોલા હાઇકોર્ટ સામે જ ગોળીઓ ધરબી હત્યા થઈ હતી
સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલી, જેની સામે આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી
ગરવી તાકાત, અમદાવાદ તા. 06 – વર્ષ 2010 આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની સોલા હાઇકોર્ટ સામે જ ગોળીઓ ધરબી હત્યા થઈ હતી, જે કેસમાં દીનુ બોઘા સોલંકી, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર અને ચાર શૂટરો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો. બહાદુરસિંહ વાઢેર તરફે રોકાયેલા હાઇકોર્ટના એડવોકેટ પ્રશાંત ખંઢેરિયાએ જણાવ્યા મુજબ, કેસ ચાલતા સ્વતંત્ર સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, જોકે સીબીઆઈ કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલી, જેની સામે આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
જેમાં આરોપી પક્ષે થયેલી દલીલો અને રજૂ થયેલા પુરાવા ધ્યાને લઇ જસ્ટિસ એ.એસ.સુપૈયા અને જસ્ટિસ વી.કે. વ્યાસની કોર્ટે વ્યવસ્થિત પોલીસ તપાસ ન થઈ હોવાનું અવલોકન કરી સીબીઆઈ કોર્ટનો ચુકાદો રદ ઠરાવી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
જાણો શું છે આખો કેસ.
– 20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્યમેવ કોમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી.
– અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે, દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે.
– આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
– કેસમાં સોલા પોલીસ બાદ સીટની રચના થઈ, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન SPને જવાબદારી સોંપવામાં આવી.