મહેસાણા ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસીએશનમાં છેલ્લા 20 વરસથી એક પણ ક્રિકેટર નેશનલ તો છોડો પણ બીસીએ (બરોડા ક્રિકેટ એસોસીએશન) સુધી પહોચી શક્યો નથી. તેનું મહત્વનું કારણ એ છે કે મહેસાણા ડીસ્ટ્રીક ક્રિકેટના હોદેદારોને માત્ર મલાઈ ખાવામાં જ રસ છે. બીસીએ દ્વારા મહેસાણામાં એક પણ હોદેદારની નિમણુક કરાઈ નથી તેમ છતા અહીના હોદેદારો બીસીએના નામે ચરી ખાઈ રહ્યા છે. ઘણાબધા વાલીઓ પોતાનો ધંધો નોકરી છોડી પુત્ર કે પુત્રીને ક્રિકેટ રમાડી રહ્યા છે પરંતુ આ બધા ક્રિકેટરો નું ભાવી ધૂંધળું છે.
બીસીએ આટલા વર્ષોથી એક મેદાન કે પીચ આપી શકી નથી, એક વર્ષ પહેલા 200 જેટલા વાલીઓએ બરોડામાં જઈ હોબાળો કર્યો હતો. આ વાલીઓનું એવું કહેવું હતું કે મહેસાણાના પ્રમુખ સહીતના હોદેદારો એ અમને રોકડું પરખાવી દીધું હતું કે તમારે તમારા ખર્ચે પીચ બનાવી હોય તો બનાવો અમારે બીસીએ જોડે કોઈ લેવાદેવા નથી . જેથી આ વાલીઓ પોતાના ખર્ચે ક્રિકેટની પીચ બનાવી હતી. જેનો ખર્ચ 2 લાખ સુધી આવ્યો હતો .પરંતુ હાલ આ પીચની હાલત બગડી ગઈ છે. જે ગલી ક્રિકેટ ના કામમાં પણ આવે તેમ નથી. કારણ કે કોઈ પણ પીચને મેન્ટેન કરવી પડે જયારે અહી તો બાવાના બાર બગડ્યા એવી હાલત છે .
છેલ્લા 20 વરસથી ખેલાડીઓને મળતું પ્રોટીન પણ હોદેદારો ઘરે લઇ જાય છે .બીસીએ દવારા મળતું દૂધ અને કેળા પણ ખેલાડીઓને મળતા નથી .વાલીઓનું એવું કહેવું છે કે મેહસાણામાં બીસીએ શા માટે હોદેદારો નીમતું નથી ? હાલ શહે માં એવી ઘણીબધી પ્રોફેશનલ એકડમીઓ ચાલી રહી છે જેને બીસીએ માન્યતા આપે તો હજારો ભાવી ક્રિકેટરોનું ભવિષ્ય સુધારી જાય તેમ છે.
શા માટે મહેસાણા ને જ બીસીએ દ્વારા અન્યાય ?
BCCI દ્વારા ગુજરાત રાજ્યમાં ત્રણ એસો. ફાળવવા માં આવ્યા છે જેમાં બરોડા એસોસીએશ, સૌરાષ્ટ્ર એસોસીએશન અને ગુજરાત એસોસીએશન એમ ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં મહેસાણાએ બીસીએના અન્ડરમાં આવે છે. બીસીએના અન્ડરમાં આવતા બીલીમોરા, નવસારી, ડભોઈ જેવા નાના સેન્ટરોમાં મેદાન પીચ અને પ્રોફેસનલ કોચ ફાળવ્યા છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી મહેસાણા જેવા મોટા શહેરોમાં કોઈ સુવિધા આપી નથી.
અમારે બીસીએ સાથે કોઈ લેવા દેવા નથી : ડૉ.મુકેશ ચૌધરી
આ અંગે મહેસાણા ડીસ્ટ્રીક ક્રિકેટ એસો.ના કહેવાતા પ્રમુખ ડૉ.મુકેશ ચૌધરી એ જણાવ્યું હતું કે અમારે એટલે કે મહેસાણા ક્રિકેટને બીસીએ જોડે કોઈ લેવાદેવા નથી. ત્યાના હોદેદારો મનસ્વી વર્તન કરે છે. આમ છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ સાથે સંકળાયેલા કહેવાતા પ્રમુખ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય તો શહેરના ક્રિકેટરોનું ભાવી કેટલું ઉજળું છે તે સમજવું રહ્યું !
અમે જીસીએ માં જવા માંગીએ છીએ : મહેસાણા એસો.પ્રમુખ
બરોડા ક્રિકેટ એસોસીએશન કરતા ગુજરાત ક્રિકેટ એસોસીએશન ઘણું સારું છે અમે લોકો હવે જીસીએમાં જવા માટે વિચારી રહ્યા છીએ તેવું મહેસાણા એસોસીએશનના પ્રમુખે ઉમેર્યું હતું. આમ અધ્યક્ષ ને હજુ એ જ ખબર નથી કે મહેસાણા માટે જીસીએમાં જવું અશક્ય છે તો શા માટે ભાવી ખેલાડીઓ ના ભવિષ્ય સાથે ચેડા કરતા હશે.
મહેસાણા એસો. એ બીસીએ જોડે સલગ્ન નથી : BCA સેક્રેટરી
આ અંગે બીસીએના સેક્રેટરી અજીત લેલેએ ચોકાવનારી હકીકત જણાવી કે મહેસાણા ક્રિકેટ એસોસીએશન અમારી સાથે કોઈ લેવાદેવા નથી. તે લોકો ખાનગી એસોસીએશન ચલાવી રહ્યા છે. અમે અમારો કોચ ત્યાં રાખ્યો છે જે પણ ક્રિકેટરો રમે છે તે બધા આ કોચ થકીજ આવે છે. મહેસાણા ક્રિકેટ એસોસીએશનને બરોડા ક્રિકેટ એસોસીએશન સાથે નહાવા નિચોવા નો સબંધ નથી. જેથી કોઈ વાલીઓ કે ભાવી ક્રિકેટરો ને ક્રિકેટને લગતી કોઈ તકલીફ હોય તો સીધા બરોડા ખાતે સંપર્ક કરવાનો રહેશે. મહેસાણાથી વર્ષ 2019 માં ડૉ.મુકેશ ચૌધરી અને તેમના હોદેદારો નોધણી માટે આવ્યા હતા. પરંતુ એમની નોધણી હજુ સુધી કરી નથી અને અમે કરવા માંગતા પણ નથી.
વાલીઓએ 2 લાખ ખર્ચીને બનાવેલી પીચ ધોવાઇ ગઈ
મહેસાણાના ક્રિકેટરો માટે બીસીએ કે ડીસ્ટ્રીક એસોસીએશનને વારંવાર રજુઆતો કરવા છતાં ગ્રાન્ટ ન ફાળવતા અંતે કંટાળી ને ક્રિકેટરોના વાલીઓએ પૈસા ઉઘરાવીને ક્રિકેટની પીચ બનાવી હતી. પરંતુ આ પીચની કોઈ જાળવણી ના થતા હાલ તેની ઉપર મેટિંગ પાથરીને પ્રેક્ટીસ થઇ રહી છે.