તળાજા : તળાજા તાલુકામાં ગોપનાથ નજીક આવેલા જુના રાજપુરા પાસે મોડી રાતે માતાની પાસે સુતેલી ચાર વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. ઘરની થોડી દૂર દીપડાએ દીકરીને ફાળી ખાતા મોત નીપજ્યું છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પીંજરા મુક્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે જુના રાજપરા ગામનાં અને ઝાંઝમેરની સીમમાં રહેતા લક્ષ્મણભાઇ બાલાભાઈ ભીલ પોતાના પત્ની ચકુબેન અને બાળકો સાથે ખુલ્લા ખેતરમાં આવેલી ઝૂંપડીમાં સુતા હતા. રાતે એક વાગ્યાની આસપાસ દીપડો તેમની ચાર વર્ષની દીકરીને ઉઠાવી ગયો હતો. આ દીકરી વિશ્વા માતા ચકુબેનની બાજુમાં જ સુતી હતી. માતાએ જોયું કે દીપડો તેમની દીકરીને ગળાથી પકડીને લઇ ગયો હતો. તે જોઇને તેમણે ગભરાઇને બૂમ પાડી હતી. જેના કારણે તેમના પરિવારનાં બધા જાગી ગયા. લક્ષ્મણભાઇ જ્યારે દીપડો ગયો તે બાજુ ગયા ત્યારે થોડે જ દૂર તેમને દીકરી લોહીલુહાણ અવસ્થામાં મળી. જોકે આ દીકરીનું થોડી જ વારમાં મોત નીપજ્યું હતું. બાળાને છાતી અને ગાળામાં દીપડાએ હાની પહોંચાડીને લોહીલૂહાણ કરી હતી.

બનાવની જાણ થતા તળાજા આર.એફ.ઓ એમ.કે.વાઘેલા, સ્ટાફ સાથે તાત્કાલિક દોડી ગયા હતા. સ્થળ પંચનામા સહિતની કાર્યવાહી કરી સરકારી વળતર ચૂકવવા કાર્યવાહી હાથધરી હતી. અધિકારી વાઘેલા એ જણાવ્યું હતું કે રાતે જ સ્ટાફને બોલાવી માનવ ભક્ષી બનેલ દીપડાને પાંજરે પુરવામાં આવશે.

Contribute Your Support by Sharing this News: