બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાની ક્ષિતિજો ચોમેરથી વિસ્તરતી જાય છે પરંતુ વિકાસની આડમાં દબાણની બદીએ પણ માઝા મૂકી છે.જેના કારણે પહોળા રોડ સંકડાઈ જવા પામ્યા છે.જેથી શહેરીજનો અને રાહદારીઓ રોજ ટ્રાફિક જામમાં અટવાય છે ત્યારે પાલિકાએ દુરંદેશી દાખવી રાજ્ય સરકારના અમૃતમ સિટીમાં સામેલ ડીસાના અનેક રોડ ફૂટપાથની સુવિધાથી સજ્જ બનાવ્યા છે. જેથી આલીશાન અને પહોળા આધુનિક રોડ બનતા શહેરીજનોમાં ખુશાલી છવાઈ છે.જે અંતર્ગત કોલેજ રોડની સાથે રેલવે સ્ટેશન રોડ કે જે સ્કૂલ ઝોન તરીકે ઓળખાય છે. જ્યાં ટ્રાફિકની કાયમી સમસ્યા સર્જાય છે તે રોડના દબાણો હટાવી પહોળો અને ફૂટપાથની સુવિધાથી સજ્જ બનાવ્યો છે.જેના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફૂટપાથ ઉપર પણ બથામણિયો કબ્જો થવા લાગ્યો છે. રહીશો ફૂટપાથ ઉપર પાકા બાંધકામ કરવા સાથે દુકાનદારો ફૂટપાથ ઉપર માલસામાન પણ ખડકવા લાગ્યા છે જેથી શહેરીજનોમાં નારાજગી છવાઈ છે.જેને ગંભીરતાથી લઈ પાલિકાના સત્તાધીશો ફૂટપાથ અગાઉની જેમ દબાણમાં ગરકાવ થાય તે પહેલાં સત્વરે ઘટતાં પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.