ગરવીતાકાત પાલનપુરઃ તાજેતરમા સુરતમા લાગેલી ભીષણ આગમા 20થી વધુ બાળકોના મોતની સાહી સુકાઇ નથી ત્યારે રવિવારે પાલનપુરમાં આબુ હાઇવે પર આવેલા અને 500થી વધુ દુકાનો ધરાવતા સંસ્કૃત કોમ્પ્લેક્ષમાં આવેલી લિફ્ટમાં અચાનક આગ ભભૂકી હતી.જેને લઇ કોમ્પ્લેક્ષમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે આગ લાગ્યાની જાણ પાલિકા તંત્રને કરાતા પાલિકાના બે ફાયર ફાઇટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

પાલનપુર શહેરમાં આવેલા મોટાભાગના કોમ્પલેક્ષો ફાયર સેફ્ટીની સુવિધા વિહોણા છે.ત્યારે શહેરના આબુરોડ હાઇવે વિસ્તારમાં આવેલું ફાયર સેફ્ટીના સાધનો વિના જ ધમધમતું અને 500થી વધુ દુકાનો ધરાવતા સંસ્કૃત કોમ્પ્લેક્ષમા રવિવારે બપોરના સમયે કોમ્પ્લેક્સમાં આવેલી લિફ્ટમાં અચાનક આગ ભભૂકી હતી.શોર્ટ સર્કિટને કારણે આગ લાગી,રવિવારની રજાને લઇ સુરતાવાળી થતાં રહી ગઈ પાલિકાના બે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો જેને લઇ કોમ્પ્લેક્ષમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.સમગ્ર લીફ્ટમા આગ ફરી વળી હતી.અને લોકોના ટોળા ઉમટ્યા હતા.

ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાઇટરોને કરાતાં પાલિકાના બે ફાયર ફાઇટરોએ પહોચી કલાકો સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ત્યારે લિફ્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું.જ્યારે વધુમાં સ્થાનિકો પાસેથી મળતી માહીતી મુજબ ચાલુ દિવસે લિફ્ટ નજીકથી દીવસ દરમ્યાન કોમ્પલેક્ષમા આવતા મોટાભાગના લોકો પસાર થતા હોય છે.પરંતુ રવિવારની રજાને લઇ લિફ્ટ નજીક કોઇ ફરક્યુ ન હતું જેને લઇ જાનહાની ટળી હતી.ત્યારે શહેરમાં ધમધમતા ફાયર સેફ્ટી વિનાના કોમ્પલેક્ષ ધારકો સામે કાર્યવાહી કરાય તેમજ તાજેતરમા બની રહેલા ફાયર સેફ્ટીની સુવિધા વિહોણા કોમ્પલેક્ષોની પરવાનગી રદ થાય તેવી સ્થાનીકોની માંગ ઉઠી હતી.

પાલનપુર શહેરમાં 65 ટ્યૂશન ક્લાસીસ પર નોટિસ ચોંટાડી
જિલ્લા શિક્ષણ વિભાગની ટીમ દ્વારા રવિવારે પાલનપુર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા 65 ટ્યૂશન ક્લાસીસ ઉપર નોટિસ ચોટાડવાની કામગીરી કરી હતી.જે ટયુશન ક્લાસિસ ગાઇડલાઇન પ્રમાણે અગ્નિશામક સાધનો ધરાવતા ન હોય તેવા ટ્યૂશન ક્લાસિસને સહુ પ્રથમ ટાર્ગેટ બનાવી નોટિસ ચીપકાવી દેવાઈ હતી.ગાઇડલાઇન પ્રમાણે ક્લાસિસ ધારકોએ અગ્નિશામક સાધનોની એનઓસી મળ્યા બાદ જ ફરીથી ક્લાસીસ ચાલુ કરી શકશે.આ ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ હવે સરકારની દરેક ગાઇડલાઇનને અનુસરવી પડશે. જિલ્લા શિક્ષણ નિરીક્ષક નૈનેશ દવેના જણાવ્યા અનુસાર જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કુલ 16 ટીમો બનાવી શહેરના વિસ્તારોમાં કાર્યવાહી કરી હતી.

ડીસામાં ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલ સીલ, 80 થી વધુ સ્થળોએ નોટિસ ફટકારી
ડીસાઃ સુરતમાં આગ લાગ્યાની ઘટના બાદ ડીસામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે ડીસામાં રવિવારે નગરપાલિકા તથા ફાયર ફાઈટરની ટિમ દ્રારા સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું હતું. જેમાં ઉપરાંત રમેશભાઈ પ્રજાપતિનું હોસ્પિટલ ,હોટેલ એક્સીલનસીના ભોંયરા તથા ચામુંડા કેરિયર એકેડમીને સીલ માર્યું હતું તથા 80 થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરી હતી.

સુરતમાં આગ લાગ્યાની ઘટનાના પગલે રાજ્યમાં તેની અસર વર્તાઈ છે શનિવારે નગરપાલિકા તથા ફાયર વિભાગે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક જગ્યાએ દુકાનો સીલ કરી હતી.ત્યારે રવિવારે પણ ફાયર સેફટીની કેટલી સુવિધા છે તેને લઈ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.જેમાં શાળાઓ, થિયેટર, પ્રેટોલ પંપ દુકાનો ટ્યૂશન કલાસીસ મળી કુલ 80 થી વધુ જગ્યાએ ફાયર સેફટીનો અભાવ જણાતા નોટિસ ફટકારી હતી. ઉપરાંત રમેશભાઈ પ્રજાપતિનું હોસ્પિટલ ,હોટેલ એક્સીલનસીના ભોંયરા તથા ચામુંડા કેરિયર એકેડમીને સીલ માર્યું હતું તેમ નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

ધાનેરામાં 8 ક્લાસીસ બંધ રાખવા માટે નોટીસો પાઠવાઇ
ધાનેરાઃ ધાનેરા મામલતદારની ટીમો, તાલુકા પંચાયતની ટીમો અને નગરપાલિકાની ટીમો બનાવી ધાનેરામાં ચાલતા ટ્યુશન ક્લાસીસ, હોટલો તેમજ અન્ય શોપિંગ સેન્ટરોની તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા તેવા લોકો સામે કાર્યવાહી પણ કરી હતી. આ તપાસને લઇને મોટાભાગના ક્લાસીસના સંચાલકો પોતાની હાટડીઓ બંધ કરીને ભાગી ગયા હતા. જેથી પાલિકા દ્વારા આવા ક્લાસીસોના બારણા ઉપર બંધ રાખવા માટેની નોટીસો પાઠવી હતી. જ્યારે હોટલો, હોસ્પીટલો તેમજ શોપિંગ સેન્ટરોની પણ તપાસ હાથ ધરી હતી. આ અંગે પાલિકાના સુપરવાઇઝર રામભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ‘8 જેટલા ટ્યુશન ક્લાસીસોને બંધ રાખવા માટે નોટીસ અપાઇ છે તેમજ રહેણાંક બહુમાળી બીલ્ડીંગના તમામ ફ્લોર ઉપર તેમજ કોમર્શિયલ બીલ્ડીંગોમાં દરેક દુકાન, ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પીટલ વગેરેમાં ફરજીયાત પણે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા નહી તો કાયદેસરની કાર્યવાહી કરાશે.’

Contribute Your Support by Sharing this News: