ઊંઝા શહેરની એક પેઢીએ જીરાનો માલ ટ્રાન્સપોર્ટ દ્વારા હાલી બોડર પશ્ચિમ બંગાળ ખાતે એકાદ માસ અગાઉ રવાના કરાયો હતો.

જે માલ નિર્ધારિત સમયમાં સ્થળ પર નહીં પહોંચતાં હાથ ધરેલી તપાસમાં ટ્રક ડ્રાઈવરે જીરુંનું બારોબારીયું કરી 30 કીલો જીરાની ભરતીવાળી કુલ 834 બેગ (કિંમત આશરે રૂ.33,77,700) વેચી નાખતાં ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ચકચાર પ્રસરી છે.

ઊંઝા શહેરની સાંઇ કૃષ્ણા સોસાયટીમાં રહેતા અને મૂળ હરિયાણાના સતીષકુમાર શિવકુમાર શર્મા ઊંઝાની સિંગલ એક્સપ્રેસ સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ કંપનીની શાખામાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે.

જેઓએ ગઈ 24 જૂન 2020ના રોજ મેસર્સ ભાઈલાલ ત્રીકમલાલ એન્ડ કંપનીનો જીરાનો માલ એનિટેક્સ કંપની કોલકાતા મારફતે હાલી બોડર પશ્ચિમ બંગાળ ખાતે પહોંચાડવાનો હોઈ શહેરની પાટણ રોડ પર આવેલ અંબાજી એગ્રો ફેકટરી મારફતે 30 કીલો વજનના જીરાની કુલ 834 બેગ જે એક બેગની કિંમત રૂ 4050 લેખે કુલ 33,77,700ની ભરીને ટ્રકનો ડ્રાઈવર રામસીંગ નીકળ્યો હતો.

જયારે બીજા દિવસે ડીઝલ અને ટ્રકના ટાયરો બદલવાના છે તેમ કહી રૂ 75 હજારની રકમ પણ મંગાવી હતી.ત્યારબાદ આ ટ્રકનો ડ્રાઇવર નિર્ધારિત સ્થળે સમયસર જીરું નહીં પહોંચતા ટ્રાન્સપોર્ટ કંપનીના એજન્ટે ટ્રક ડ્રાઇવરને અવાર નવાર ફોન કરાયા હતા પરંતુ આ ડ્રાઇવરનો ફોન બંધ આવતાં તેનો કોઇ સંપર્ક થયો ન હતો.

ત્યારબાદ થોડા દિવસ પછી અજમેર બાયપાસ પર આવેલ હોટલ અતિથિ પાસેથી જીરું ભરેલ ટ્રક ખાલી મળી આવી હતી. જેથી ઊંઝા સિંગલ એક્સપ્રેસ કંપનીના કમીશન એજન્ટ સતિશકુમાર શર્માએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવર રામસિંગ અમરારામ બિશ્નોઇ રહે 103, બાવરલા બિશનોઈ વાસ તા.બનાર, જિ.જોધપુર, રાજસ્થાનવાળા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: